- 16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે
દર વર્ષે 16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1971માં આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. 16 ડિસેમ્બર 1971ની ઐતિહાસિક જીતનો આનંદ આજે પણ દરેક દેશવાસીના હૃદયમાં જોશ અને ઉત્સાહમાં વધારો કરે છે. ત્યારે પીએમ મોદીએ વિજય દિવસ મહત્વની ભૂમિકા ભજવનાર સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિજય દિવસના અવસર પર પીએમ મોદીએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે 1971 માં ભારતની નિષ્ઠાપૂર્વક સેવા કરનાર તમામ બહાદુર નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપુ છું. તેમની બહાદુરી અને સમર્પણ રાષ્ટ્ર માટે અપાર ગૌરવનો સ્ત્રોત છે. તેમનું બલિદાન અને અતૂટ ભાવના લોકોના હૃદયમાં અને આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં હંમેશ માટે અંકિત રહેશે. ભારત તેમની હિંમતને સલામ કરે છે અને તેમની અદમ્ય ભાવનાને યાદ કરે છે.
16મી ડિસેમ્બર એ સૈનિકોની બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. 1971માં આ દિવસે ભારતીય સેનાની બહાદુરી સામે પાકિસ્તાન સેનાએ આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશને આઝાદી મળી હતી. આ યુદ્ધ 13 દિવસ સુધી ચાલ્યું હતું, આજે આખો દેશ ભારતીય સેનાના બહાદુર જવાનોની બહાદુરી અને બલિદાનને સલામ કરી રહ્યો છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે વિજય દિવસ ઉજવવામાં આવે છે.