ભારત પોતાની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન મેળવવા જઈ રહ્યું છે. PM મોદી સોમવારે અમદાવાદમાં આ ટ્રેનને લીલી ઝંડી આપશે. આવો જાણીએ આ ટ્રેનની ખાસ વાતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. તમને જણાવી દઈએ કે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી પોતાના ગૃહ રાજ્યની પ્રથમ મુલાકાત કરી રહ્યા છે. સોમવારે, PM ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અને અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.
અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી ફરકાવવાની સાથે PM મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે અને મેટ્રો ટ્રેનની સવારી કરશે. વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
વંદે મેટ્રો ટ્રેનની વિશેષતાઓ શું છે?
વંદે મેટ્રો ટ્રેન ભુજથી ઉપડશે અને 359 કિલોમીટરનું અંતર કાપીને 5.45 કલાકમાં અમદાવાદ પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર હશે. “જ્યાં અન્ય મેટ્રો ટ્રેનો માત્ર ટૂંકા અંતરને આવરી લે છે, ત્યાં વંદે મેટ્રો ટ્રેન શહેરના કેન્દ્રને પેરિફેરલ શહેરો સાથે જોડશે.
વંદે મેટ્રો મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેનો ફાયદો એ છે કે તે યાત્રા ઝડપથી પૂર્ણ કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. વંદે મેટ્રો ટ્રેનને અથડામણ વિરોધી ‘કવચ’ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવી છે. વંદે મેટ્રો ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.