- ગુજરાતી ખેલાડીઓ રમવા જતા તો ફાફડા-ઢોકળા તરીકે ઓળખાતા. હવે સ્થિતિ બદલાઈ : રમત ગમત મંત્રી
ભારતનું પ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટ અપ કોંકલેવ 2023નો ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. કાંકરિયા ઇકા ક્લબ ખાતે કોંક્લેવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહરાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થયો છે. આ કોન્ક્લેવમાં રમત ગમત ઉદ્યોગના સફળ સાહસિકો સાથે પેનલ ચર્ચા કરવા આવી. કોન્ક્લેવમાં ખેલમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજનું કોન્ક્લેવ સ્પોર્ટ્સ માટેનું ફૂલ પેકેજ છે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ તમામ લોકો આજે એકસાથે છે. દેશના ઈતિહાસમાં પ્રથમવાર સ્પોર્ટ્સ કોન્ક્લેવ યોજાયો છે. આ વર્ષે ૧૦મું વાઈબ્રન્ટ ગુજરાત પણ યોજાવાનું છે.
આવનાર દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ મેન્યુફેક્ચર હબ કેવી રીતે બને એ દિશામાં કામ કરી રહ્યા છીએ. સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલ લોકોને એકત્રિત કરાયા છે.
પહેલા ગુજરાતી ખેલાડીઓ ક્યાંક રમવા જતા તો ફાફડા-ઢોકળા તરીકે ઓળખવામાં આવતા. હવે સ્થિતિ બદલાઈ છે અને ફાફડા-જલેબી જ્યાં જાય ત્યાંથી કંઈને કંઈ મેળવીને આવે છે. હવે ખેલાડીઓ એ સીનારિયો બદલી નાખ્યો છે. વધુને વધુ મેડલ ગુજરાતમાં આવે તેના પર ખેલાડીઓ મહેનત કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યું કે, શક્તિદૂત યોજના એ ગુજરાતનાં યુવાનો જે રમતગમત સાથે જોડાયેલા છે તેમની માટે આર્શીવાદરૂપ છે.
શક્તિદૂત પોલિસીમાં ખેલાડીઓના ૮૫ ટકા સજેશન સ્વીકારવામાં આવ્યા. ગુજરાતી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં શું મેળવ્યું એમને ભવિષ્યમાં જવાબ મળશે. સ્પોર્ટ્સમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યા છે. સ્પોર્ટ્સ માત્ર તંદુરસ્તી માટે નહીં પરંતુ ભવિષ્યનું રોજગારી આપનાર સેક્ટર છે. ભવિષ્યમાં સ્પોર્ટ્સ ૫ બિલિયનનું માર્કેટ બનશે. ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.