Banaskantha News : પાલનપુર શહેરમાં કોલેરાના રોગે દસ્તક દીઘી છે. જેના કારણે નંબર – ૦6 ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. 8 દિવસમાં ઝાડા-ઉલટીના નોંધાયા 200 કેસ, 5 લોકો સિવિલમાં હતા સારવાર હેઠળ આવતા વોર્ડ નંબર 6 ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણુંક કરવામાં આવી છે. જણાવી દઈએ કે, એક વ્યક્તિનું ઝાડા ઉલ્ટીથી મોત પણ નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, શહેરના વોર્ડ નં 6 વિસ્તારમાં એક સાથે 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા અને તે પૈકી એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી વોર્ડ નંબર 6ને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે.
કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શકય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબુ મેળવવા આરોગ્ય વિભાગને સુચના અપાઈ છે. આરોગ્ય વિભાગે કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કોલેરા ગ્રસ્ત દર્દીઓની મુલાકાતે બનાસકાંઠાના નવનિર્વાચિત સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના આગેવાનો સાથે પધાર્યા અને જરૂરી તાત્કાલિક સારવાર માટે ડોકટરો ને સૂચના આપી અને જણાવ્યું કે પાલનપુર નગરપાલિકા સામે વહીવટી પગલા લેવા બનાસકાંઠા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવશે
વધતા જતા રોગચાળા વચ્ચે પાલનપુર શહેર વોર્ડ નં.6 ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં પાલનપુર શહેરી વોર્ડ નં.6ના વિસ્તાર (ખાસદાર ફળી, ભકતોની લીંમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલ પુરા, ઝવેરી માઢ, દિલ્હી ગેટ, પત્થર સડક, અબરકુવા, જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી) ની આજુબાજુ નો ૨ કિ.મી. સુધીનો વિસ્તાર “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરાયો છે.