- માટીની હાંડી, ફુલદાની, ધુપદાની, બચતપેટી, માટલું, તવાસેટના કુંભારીકામ થકી આજીવિકા પ્રાપ્ત કરતા દાહોદના સુભદ્રાબેન રાઠોડ
- માટીના પાત્રમાં રાંધેલા ખોરાકને લીધે થતાં લાભોને કારણે કેન્સર હોસ્પિટલોમાં પણ તેનો વપરાશ થાય છે: સુભદ્રાબેન રાઠોડ
- સુરતના સરસ મેળામાં આવી ૬ દિવસમાં ૧ લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જુથો (સખીમંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આ જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી સુરતના હની પાર્ક ગ્રાઉન્ડ, આનંદ મહલ રોડ, અડાજણ ખાતે આગામી તા.૭ નવેમ્બર સુધી ‘સરસ મેળો’ ખૂલ્લો રહેનાર છે.
સરસ મેળામાં બ્રહ્માણી કુંભારીકામ કલાકારી મંડળની મહિલાઓ માટીમાંથી રોજિંદા જીવનમાં ઉપયોગી થતા વાસણો બનાવે છે. દાહોદના સુભદ્રાબેન રાઠોડ અને તેમની સાથે જોડાયેલી બહેનોએ હાંડી, ફુલદાની, ધુપદાની, બચતપેટી, માટલું, તવાસેટ જેવી ૧૭ જેટલી માટીની વસ્તુઓ બનાવી વેચાણ કરે છે.
સુભદ્રાબેન જણાવે છે કે, અમારા કુંભારીકામના વ્યવસાયમાં ૧૧ બહેનો જોડાયેલી છે. છેલ્લા ૧૮ વર્ષથી માટીકામ સાથે જોડાયેલા સુભદ્રાબેને પારંપરિક રીતે વપરાતા માટીનાં વાસણોના લાભો વિષે જણાવતા કહ્યું કે, ખોરાક બનાવવા અને સંગ્રહ કરવા બનાવાતા માટીના વાસણોમાં પકવેલું ભોજન શરીરને તમામ પોષક તત્ત્વો પૂરા પાડે છે. સાથે જ શરીરમાં અનેક રોગો થતા અટકે છે. આ કારણે જ અમારા વાસણો કેન્સરની હોસ્પિટલોમાં પણ વપરાય છે.
રાજ્યના ઘણા વિસ્તારોમાં વેચાણમેળામાં ભાગ લેતા સુભદ્રાબેને કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી મળતી વેચાણની તકને કારણે અમે અમારા જેવી ઘણી બહેનો સ્વ-આવડતથી આત્મનિર્ભર બન્યા છીએ. હાલના સમયમાં લોકો સ્વસ્થ રહેવા માટે પારંપરિક વસ્તુઓ તરફ વળી રહ્યા છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, તા.૨૭ ઓક્ટોબરથી શરૂ થયેલા મેળામાં અત્યાર સુધીના ૬ દિવસમાં અમે રૂ.૧ લાખ રૂપિયાના માટીના વાસણોનું વેચાણ કર્યું છે.
અમારા મંડળની બહેનોના પરિવારને પણ અમારા કામ થકી આર્થિક આધાર મળ્યો છે. અમારા સમૂહને સરકાર દ્વારા ૫.૫૦ લાખની લોન પણ આપવામાં આવી છે, જેના થકી અમે અમારા સ્વરોજગારને ગતિ આપી શક્યા છીએ. આ સરસ મેળા અંતર્ગત સરકારે ભોજન-નિવાસ, ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓ પણ પૂરી પાડી છે, મહિલાઓ ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે સરકારે યોગ્ય પ્લેટફોર્મ આપ્યુ છે, જે બદલ અમે સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે.
આમ, દિવાળીના તહેવારે ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરી ભાતીગળ હસ્તકળાને ધબકતી રાખતો ‘સરસ મેળો’ સુભદ્રાબેન જેવી સેંકડો મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યો છે.