ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી વહેલી સવારથી જ અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મેળાના અંતિમ દિવસે ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા પહોંચી રહ્યાં છે. કુલ 7 દિવસના મહામેળામાં 6 દિવસ દરમિયાન 27 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. ત્યારે આજે પણ ભક્તો અવિરતપણે માતાજીના દર્શન કરવા અને માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરવા ઉમટી રહ્યા છે. મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતાં મંદિરના શિખરે ધજા ચઢાવી માતાજીનો આશીર્વાદ લેશે.
યાત્રાધામ અંબાજી ખાતે હાલ માં ભદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે ત્યારે માં અંબા ને નિમંત્રણ આપવા આવતા ભક્તો ચોક્કસ માં અંબા ની ધજા લઈને આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર માં અસંખ્ય ધજાઓ જોવા મળી રહી છે અને મંદિર દ્વારા આ ધજાઓ ને પ્રસાદ રૂપે વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે
માં અંબાના નિજ મંદિર ભક્તો મોટી મોટી ધજાઓ લઈને ચાંચર ચોક માં આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર અંબાજી લાલ ધજાઓથી લાલમ લાલ થઇ ગયું છે. ભક્તો દૂર દૂરથી આ ધજાઓને પદયાત્રા કરીને લઈને આવે છે. અને જયારે છેલ્લે માં ના મંદિરના શિખર ઉપર જયારે ધજા રોહણ થાય છે. તેઓ ભાવુક થઇ જતા હોય છે. અને તેમના ચેહરા ઉપર અનોખી ખુશી જોવા મળતી હોય છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અંબાજી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણે થી માઈભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઈભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે. આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તાઓ ઉપર બાથરૂમ, ટોઇલેટ, મેડિકલ, સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવ્યો છે. આ વર્ષે લાખો માઈભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી, જેના માટે સફાઈદુતો કામ કરી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે. તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતાં પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમનો મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જય અંબે, બોલ માડી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આધશકિત અંબાના સદૈવ આશીર્વાદ કૃપાદ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઇભકતોને સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની કામગીરીને બિરદાવી હતી.