શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો રોજ પરેશાન થઈ રહ્યાં છે છતાં એએમસી નામ માત્રના ઢોર પકડીને કંઈ કામગીરી કર્યાનો સંતોષ ખાઈ લે છે. હાઈકોર્ટની ટીકા બાદ એએમસી આડેધડ ઢોર પકડવા માંડી છે. તેમાં પણ બુધ્ધિનું પ્રદર્શન કરતા ટેક્સ વિભાગના અધિકારી અને કર્મચારીઓને ઢોર પકડવાની જવાબદારી સોંપી છે. ટેક્સ વિભાગના અધિકારી અને કર્મચારીઓ હવે ટેક્સ વસૂલાત પડતી મુકીને અધિકારી-કર્મચારી ઢોર પકડવા નીકળશે.
રવિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 163 ઢોર પકડવામાં આવ્યા હતા અને 28,430 કિલો ઘાસચારો જપ્ત કરાયો હતો. AMC હદમાં ઢોર રાખવા અંગે પશુમાલિકોને નોંધણી કરાવવા, RIFD ચીપ લગાવવા, અને રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના તમામ ઢોરને શહેરની બહાર ખસેડી લેવા ચેતવણી અપાઈ છે. CNCD વિભાગ દ્વારા નવેમ્બરમાં કુલ 689 જેટલા ઢોર અને ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં કુલ 12,307 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે જ્યારે 457 જેટલા ઢોર માલિકો સામે ફરિયાદ થઈ છે. ઉત્તર ઝોનમાં 34, દક્ષિણ ઝોનમા38, પૂર્વ ઝોનમાં 41, પશ્ચિમ ઝોનમાં 20, મધ્ય ઝોનમાં 9, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 13 અને દક્ષિણ – પશ્ચિમ ઝોનમાં8 સહિત કુલ 163 ઢોર પકડવામાં આવ્યા છે અને કુલ 27,870 કિલો ઘાસચારો જપ્ત કરાયો છે.
ઢોર નિયંત્રણ પોલીસી-2023 મુજબ પશુઓની જગ્યા હશે તો જ લાઇસન્સ અપાશે. જગ્યા નહીં હોય તો લાઇસન્સ નહીં મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પશુઓના લાઇસન્સ માટે 1500 ફોર્મનું વિતરણ કર્યુ હતું. જોકે, પશુપાલકોએ લાઇસન્સ માટે રસ દાખવ્યો નથી કેમકે, અત્યાર સુધીમાં માત્રને માત્ર 14 પશુપાલકોએ લાઇસન્સ મેળવ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં પશુઓની સંખ્યા ઘણી મોટી છે તેમ છતાંય લાઇસન્સ મેળવવા માટે 210 પશુપાલકોએ રસ દાખવ્યો છે.
સોમવારથી શહે૨માં રખડતા ઢોરોને હટાવવા માટે કાર્યવાહી કરાય તેવું જાણવા મળ્યું છે. મોટાભાગના પશુપાલકોએ લાઇસન્સ મેળવ્યા નથી તે જોતાં શહેરમાંથી 20-22 હજાર પશુઓને શહેરમાંથી ખસેડવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આખરી અલ્ટીમેટમને પગલે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.