કોરોનાને હવે ફરી ગંભીરતાથી લેવો પડે એવી સ્થિતિ આવી છે. અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. મહિલાને કોમોર્બિડિટીઝ હતું. કોરોનાની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના નવા વેરિએન્ટના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમા કોરોનાએ ઉથલો મારતા હવે અમદાવાદમાં કોરોના કેસો વધી રહ્યાં છે. તાજેતરમાં જ કોરોના કેસો અમદાવાદમાં વધ્યા છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેથી કહી શકાય કે જે દર્દીઓ બહારથી અમદાવાદ આવે છે. ત્યાર બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હોય છે. તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.