Gujarat News: રૂ. ૪૬૦.૪૩ લાખના ખર્ચે અદ્યતન નવિન એસ.ટી. ડેપો – વર્કશોપનું થશે નિર્માણ
આજ રોજ બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવિન એસ.ટી. ડેપો – વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જુના અને જર્જરિત ડેપો-વર્કશોપને ડિમોલીશ કરીને આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવિન ડેપો – વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૪૬૦.૪૩ લાખના ખર્ચે બનનાર નવિન એસ.ટી. ડેપો – વર્કશોપ ખાતે એડમીન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ, લેડિઝ રેસ્ટરૂમ, ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી. નિગમ પાલનપુર વિભાગની અંદાજિત ૬૨૪ બસો દરરોજ આશરે ૨,૬૭,૨૪૧ કિલોમીટર દૈનિક અંતર કાપે છે. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા -૨૦૨૩ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠાના સાંસદસભ્યશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવિન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસ.ટી. વર્કશોપ બનવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જનકલ્યાણકારી કાર્યો થયા છે. ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓયુક્ત નવિન એસ.ટી. બસો અને અત્યાધુનિક સુવિધાસભર બસપોર્ટ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે.
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શુભેચ્છા આપતા જણાવ્યું
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે એસ.ટી. વર્કશોપના નવિનીકરણના પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાત એસ.ટી.નું પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે. આજે ગુજરાતના ગામે ગામ એસ.ટી. બસો પહોંચે છે. ગુજરાતનાં માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસ.ટી. બસોની ટેકનિકલ જરૂરીયાતો માટે વર્કશોપના નવિનીકરણ માટે ખૂબ ઉદાર હાથે મંજૂરી આપી છે. માહિતીખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકને અનુલક્ષીને ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકારશ્રીની સિદ્ધિઓ એ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, સંગઠનના પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલા, મહામંત્રીશ્રી
પાલનપુરના વિભાગીય નિયામકશ્રી કે.એસ.ચૌધરી, પરિવહન અધિકારીશ્રી વિ.એસ.ચૌધરી, સંગઠનના આગેવાનો તથા એસ.ટી.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.