- મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરતા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી
બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ અને લાખણીમાં વરસાદના સમયે કેટલાક ગામોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા વિકરાળ હતી. વારંવાર વરસાદી પાણી ભરાતા લોકોએ ન માત્ર ચોમાસામાં પરંતુ ચોમાસા બાદ પણ વરસાદી પાણી જમીનમાં ન ઓસરતા સ્થાનિક લોકોને સ્થળાંતર કરવું પડતુ હતું. જે બાબતને ગંભીરતાથી લઇ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના પ્રયત્નોથી સરકારે આ અસરગ્રસ્ત ગામોને પુનર્વસન તેમજ પુન:નિર્માણ માટે ઉચાણવાળા વિસ્તારમાં પ્લોટ અને બાંધકામ માટે સહાય આપવાની મંજુરી આપી છે. જેથી થરાદ અને લાખણીના અસરગ્રસ્ત વિસ્તારોને વર્ષો જુની સમસ્યામાંથી રાહત મળશે.
આ અંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં થરાદ અને લાખણી વિસ્તારની વર્ષો જુની સમસ્યા સરકારે દૂર કરી છે. પુનર્વસન અને પુન:નિર્માણ બદલ હું રાજય સરકારનો આભાર વ્યકત કરુ છું. આગામી સમયમાં અસરગ્રસ્ત ગામોમાં પુનર્વસન માટેની કામગીરી ઝડપી થાય તે માટે મારા પ્રયત્નો રહેશે. આજે અસરગ્રસ્ત ગામોની પુનર્વસનની મંજુરી મળતા ગામ લોકોમાં પણ આનંદની લાગણી ફેલાઇ છે.