બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી. જેથી સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બોરડીયાનાં શાળાનાં બાળકો અટવાયા હતા. ત્યારો બોરડીયા જવાના રસ્તા પર પુલ ન હોવાનાં કારણે બાળકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ગત રોજ બનાસકાંઠામાં વરસાદનાં કારણે નદી બંને કાંઠે વહેતી થતા વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
નદીમાં પ્રવાહ વધતા 50 થી વધુ બાળકો નદીનાં કાંઠે ફસાયા હતા
દાંતા તાલુકાની નાની કુંવારસીના બાળકોને નદીના ભારે પ્રવાહમાંથી પસાર થવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દાંતા તાલુકાના બે અલગ અલગ જગ્યાએ શાળાના બાળકો નદીકાંઠે ફસાયા હતા. એક ગામથી બીજા ગામ બાળકો અભ્યાસ માટે જતાં બાળકોને ચોમાસામાં હાલાકી પડી રહી છે. દાંતા તાલુકાની નાની કુંવારસી ગામના લોકોએ જીવના જોખમે પ્રાથમિક શાળાના બાળકોને તેડીને નદી પાર કરાવી હતી.
હાલ રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ગત રોજ બનાસકાંઠા જીલ્લામાં પણ સારો વરસાદ પડ્યો હતો. જેથી બનાસકાંઠા જીલ્લાની નદીઓમાં નવા નીરની આવક થવા પામી હતી. ત્યારે એક તરફ નદીમાં નવા નીરની આવક થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો.