Monsoon Update : જે કાળઝાળ ગરમીનો સામનો ગુજરાતીઓએ કર્યો તેઓ હવે વરસાદને વધાવવા તૈયાર થઈ જાય, કારણ કે રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્રણથી ચાર દિવસ વહેલા ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ચોમાસાનો પ્રારંભ થતાં જ અન્નદાતાએ હળ જોડી દીધા છે અને વાવણીની શરૂઆત કરી છે.
આ વખતે ગુજરાતમાં પડેલી કાળઝાળ ગરમીને ગુજરાતીઓ ભૂલી શકે તેમ નથી, 47 ડિગ્રીમાં અમદાવાદીઓએ શેકાવું પડ્યું હતું. ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું પરંતુ ચોમાસાનો આરંભ થઈ ગયો છે, દક્ષિણમાં ચોમાસાએ દેખા પણ દઈ દીધી છે અને ચોમાસું ધીરે ધીરે ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની સાથે ઠંડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે.
હવામાન નિષ્ણાંતે કહ્યું કે ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે.
વરસાદ આમ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે હતો. જો કે હવે જે વરસાદ શરૂ થયો છે તે ચોમાસાનો વરસાદ છે, ગુજરાતના આકાશમાંથી કાચું સોનું વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતોએ પણ ખેતરમાં હળ જોડીને વાવણી શરૂ કરી દીધી છે. ગુજરાત જ નહીં આંદામાન નિકોબાર અને કેરળમાં પણ ચોમાસાનો આરંભ વહેલો થયો છે અને તેનો જ ફાયદો ગુજરાતને થયો છે.
મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ કરી છે, સંતરામપુરમાં તો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. દોઢ ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો મહીસાગરના કડાણામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો સંતરામપુરમાં 40 મિલિમીટર, મોરવાહડફમાં 27 મિલિમીટર, કલોલમાં 22, સંજેલીમાં 15, કડીમાં 12, ગાંધીનગરમાં 11, કપરાડામાં 10, જેતપુરમાં 8 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. તો રાજુલા, ખેરગામ, ભચાઉ, અમદાવાદ, છોટાઉદેપુર અને ધાનપુરમાં 5-5 મિલિમીટર વરસાદ પડ્યો હતો. તો હજુ પણ હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે