મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે SITની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો છે. કેબલ બ્રિજ દુર્ઘટના મામલે રજ્ય સરકારે SITનું ગઠન કર્યું હતું. SITની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્ત્વના ખુલાસા થયા હતા
SITના રિપોર્ટ મુજબ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ જવાબદાર છે અને તેમના પર 135 લોકોના મર્ડર બદલ 302 ની કલમ લગાડવા ભલામણ કરાઈ છે. ઘટનાને લઇ તમામ લોકો જવાબદાર હોવાનું SITના રિપોર્ટમાં ખુલ્યુ છે. SIT ના રિપોર્ટ મુજબ બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહતો તો ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહોતી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહોતો. સાથે જ SIT રીપોર્ટમાં સાબિત થયું કે ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ નહોતું કર્યું, તો બીજી બાજુ હાલ જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વચગાળાની રાહત આપવાની માગ સાથે જામીન આપવા રજૂઆત કરી છે.
ઉપરાંત નિયમિત જામીન અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી હંગામી જામીન પર મુક્ત કરવાની અરજી પણ જયસુખ પટેલ તરફથી કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર કેસની સુનાવણી આગામી 11 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
મહત્ત્વનું છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં લાંબા સમય બાદ આરોપી જયસુખ પટેલની ધરપકડ થઈ હતી. મોરબી દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લીધેલી સુઓમોટો અરજી પર ઓરેવા ગ્રુપના સંચાલક જયસુખ પટેલ મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વચગાળાનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. પ્રતિ મૃતક રૂપિયા 10 લાખ અને પ્રતિ ઇજાગ્રસ્ત રૂપિયા 3 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો.