Loksabha Election 2024: ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારની યાદી જાહેર કરી રહી છે અને ભાજપે શુક્રવારે ઉમેદવારી ચોથી યાદી જાહેર કરી હતી, ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટએ આજે સવારે સોશિયલ મીડિયા પર આગામી લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ મુકતાની સાથે જ ભાજપમાં ફરી એકવાર જૂથ બંધી જાહેર થઈ છે. ઉલ્લેખનીય છે કે રંજનબેનને ભાજપે ટિકિટ આપતા પક્ષમાં જ ભળકો થયો હતો અને કેટલાક પક્ષના જ નેતા નારાજ થયા હતા.
રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી
સોશિયલ મીડિયા પર મુકેલા મેસેજ અંગે રંજનબેન ભટ્ટે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે મને અને ભાજપને બદનામ કરવામાં આવી રહ્યું છે તે જોતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું મને દસ વર્ષ સુધી પાર્ટી એ તક આપી અને હવે મારા પર વિશ્વાસ રાખી ત્રીજી વખત પણ લોકસભાની ટિકિટ આપી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મારે કારણે જો ભાજપની બદનામી થતી હોય તે અયોગ્ય છે તેને સાથે સાથે મારા કેટલાક અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. રંજનબેનની આ જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીમાં કંઈ ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો છે અને કાર્યકર્તાઓ જેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા તેઓ ખુશ થયા છે જ્યારે રંજનબેનના ટેકેદારોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે રંજનબેનની આ જાહેરાતથી તેમના ટેકેદારો તેમના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને નારાજગી વ્યક્ત કરતા હતા.
જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો
લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું નામ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવતાની સાથે જ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો હતો અને તેઓએ રંજનબેન વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની જાહેરાત કરી હતી. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના ડૉ.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી છ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે અને તેઓ ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા હતા.
સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પ્રચાર શરૂ થયો
આ કિસ્સા બાદ સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પ્રચાર શરૂ થઈ ગયો હતો પરંતુ કોઈ સામે ચાલીને જાહેરમાં બહાર આવતાં ન હતા કે પછી રાજીનામાં પણ આપતા ન હતા અને માત્ર સોશિયલ મીડિયા પર નારાજગી જાહેર કરતા રહ્યા હતા એટલું જ નહીં તાજેતરમાં કેટલાક સંગઠનો એ શહેર ભાજપ પ્રમુખ સમક્ષ રંજનબેન ભટ્ટને બદલવાની માંગણી કરતા આવેદનપત્ર પણ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર વિરોધ બાદ તાજેતરમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાએ રાત્રિના સમયમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લગાડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ત્રણથી ચાર કાર્યકરની અટકાયત કરી પૂછપરછ કર્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રમુખ ઋત્વિક જોશીનો પણ જવાબ લેવામાં આવ્યો હતો આ પરિસ્થિતિ સર્જાતા આજે સવારે જ રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા પર પોતાના અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો મેસેજ ફરતો કર્યો હતો. હવે વડોદરામાં રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડતા હવે ભાજપ અહીં નવા ઉમેદવારની પંસદગી કરશે.