Rajkot TRP Game Zone : આખું ગુજરાત જેના સમાચાર જોઈ હીબકાં ભરી રહ્યું છે એવા મોકાજી સર્કલ પાસેના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ ના ગુનામાં ક્રાઈમ બ્રાંચે ઝડપી અગાઉ ઝડપી લીધેલા ત્રણ આરોપીના ૧૪ દિવસના અને ચોથા આરોપીના ૧૩ દિવસના રિમાન્ડ મંજુર થયા બાદ પાંચમા આરોપી ગેમ ઝોનની જગ્યાના માલિક એવા નાના મવાના કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ગેમ ઝોનની જમીન અશોકસિંહ અને તેના ભાઇ કિરીટસિંહ ની છે. આ ગેમ ઝોન ના મુખ્ય ભાગીદાર અને આરોપી પ્રકાશ હિરનનું આગમાં જ મોત થયાનું બહાર આવ્યું છે. અશોકસિંહ હજુ પોલીસ પક્કડથી દુર છે. જ્યારે કિરીટસિંહને કોર્ટમાં આજે રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાશે. બીજી તરફ ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર પ્રકાશ હીરન-જૈન આગમાંજ ખાખ થઇ ગયેલ હોઇ તેનો મૃતદેહ આજે સવારે પરિવારજનોએ આપવામાં આવેલ જેનો પરિવાર સ્વીકાર કરી અગ્નિસંસ્કાર કરેલ.
ગુનેગારો ને 14 દિવસ ના રિમાન્ડ મંજૂર
ઘટનાને દિવસે જ પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો. તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાતા ધડાધડ ધરપકડની કાર્યવાહી શરૂ થઇ હતી. જે અંતર્ગત આરંભે ત્રણ આરોપીઓ યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (રહે. ગોપાલનગર ઢેબર રોડ), નિતીન મહાવીરપ્રસાદ લોઢા ( રહે. જલારામ પ્લોટ-૨, ઈન્દિરા સર્કલ)ની ધરપકડ કર્યા બાદ ત્રીજો આરોપી રાહુલ લલીત રાઠોડ ( રહે. મહાદેવવાડી, ગોંડલ) હાજર થતાં તેની પણ ધરપકડ થઈ હતી. આ ચારેય આરોપી ઓને કોર્ટમાં રજુ કરાતાં ૧૪ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર થતાં પોલીસ દ્વારા વિશેષ તપાસ હાથ ધરાઇ હતી.
સ્લીપીંગ પાર્ટનર ની દલીલો
એ પછી ચોથો આરોપી ધવલ ભરતભાઇ ઠક્કર ફરાર થઇ આબુ તરફ પહોંચ્યો હોવાની માહિતી મળતાં બનાસકાઠા એલસીબીને જાણ કરાતાં તેની ટીમે દબોચી લીધા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ તેનો કબ્જો લઇ આવી છે. તેને પણ કોર્ટમાં ગઇકાલે રજુ કરાતાં એડવોકેટ તુષાર ગોકાણીએ દલીલો, રજુઆતો કરતાં તેના ૧૩ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ધવલે એવું રટણ કર્યુ છે કે પોતે ગેમ ઝોનમાં માત્ર સ્લીપીંગ પાર્ટનર છે. દર મહિને આ પેટેના રૂપિયા મળી જતાં હતાં જે રકમ માત્ર પંદર હજાર આસપાસ છે. પોલીસને આ વાત ગળે ઉતરતી ન હોઇ તપાસ યથાવત રાખી છે..
એસીપી બી. બી. બસીયાના જણાવ્યા મુજબ ગેમ ઝોનની જમીનના માલિક કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. તેના ભાઇ અશોકસિંહ હજુ હાથમાં આવ્યા નથી. ઉલ્લેખનિય છે કે આ બનાવમાં પોલીસે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ભરતભાઇ ઠક્કર, રેસ-વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ આ તમામ આરોપીઓએ આશરે ૫૦ મીટર પહોળુ અને ૬૦ મીટર લાંબુ તેમજ બેથી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળી આગને રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઇ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર તેમજ અગ્નિશમન વિભાગની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બને તો આગ લાગવાથી સાદી-ગંભીર ઇજાથી લઇ માનવ મૃત્યુ થવાની સતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખતાં આગ લાગતાં લોકોના મૃત્યુ થયાનો ગુનો નોંધ્યો હતો.
ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર અને જેનું આ ગેમ ઝોનમાં સૌથી વધુ રોકાણ હતું તેમ કહેવાય છે તે પ્રકાશ કનૈયાલાલ હીરન-જૈનનો પણ અગ્નિકાંડમાં ભોગ લેવાયો છે. આગ લાગી ત્યારે જ તે આગ બુઝાવવાનો બીજા લોકો સાથે પ્રયાસ કરતો સીસીટીવીમાં દેખાયેલ. એ પછી બહાર આવતાં કોઇએ તેને ન જોતાં તેના ભાઇ જીતેન્દ્ર હીરને ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. એ પછી તેના ડીએનએ સેમ્પલ મોકલ્યા હતાં. જે ગઇકાલે એક મૃતદેહ સાથે મેચ થઇ જતાં આજે સવારે પ્રકાશ હીરનનો મૃતદેહ પરિવારજનોએ અંતિમવિધી માટે સ્વીકાર્યો હતો.ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં ટીઆરપી ગેમ ઝોનમાં કામ કરતી યુવતી સહિત ચાર કર્મચારીઓનો ભોગ લેવાયાનું સ્પષ્ટ થયું હતું. એ પછી ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર કે જેની ૬૦ ટકા ભાગીદારી હતી તેના પ્રકાશ હીરનનો પણ ભોગ લેવાયાનું જાહેર થયું છે. નવનિયુક્ત પોલીસ કમિશનરશ્રી બ્રજેશ ઝાની રાહબરી હેઠળ આગળની તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમ કરી રહી છે