TRP Game Zone: રાજકોટના ગેમઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં ૨૮ થી ૩૦ નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ હાઇકોર્ટ દ્વારા આ બાબતે આકરી ટિપ્પણી કરાઇ છે જેને લઈને રાજય સરકાર આ બાબત માં કોઇપણ બાંધછોડ કરવા માંગતી નથી. સરકાર રાજ્યમાં એકશન મોડમાં આવી ગઇ છે અને રાજ્ય માં વિવિધ નિયમોનો ભંગ કરનાર સામે આકરા પગલા ભરવાના આદેશો કરાયા છે.
જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળે કરાઇ રહી છે ઉલટતપાસ
કોમર્શિયલ બિલ્ડીંગો, હોસ્પિટલો, ગેમઝોન, જીમ, સ્કુલ, કોલેજો, ફુડ કોર્ટ, રેસ્ટોરન્ટ, હોટલો તેમજ જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા તમામ સ્થળે ફાયર સેફટીની ચકાસણી, આગ ની કે અન્ય કોઇ ઘટના બને તો Safe Exit બહાર નીકળવા માટેના ઉપલબ્ધ વિકલ્પો છે કે નહિ તેની તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
ગુજરાત માં કોઈ મોટી ઘટના બને પછી થોડો સમય ઘટના ને લગતા ધંધાકીય એકમો ને પરેશાન કરાય છે
ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના બને ત્યાર પછી થોડા દિવસ માટે સરકારી તંત્ર એલર્ટ થઈ જાય છે અને જાતજાતના આદેશ છૂટવા લાગે છે. તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનની ઘટના પછી હવે દરેક જગ્યાએ ફાયર NOCનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે કલેક્ટરોને આદેશ આપ્યો છે કે તમામ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજનની પ્રવળત્તિ થતી હોય ત્યાં ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે, તથા જ્યાં પરવાનગી લેવામાં આવી ન હોય ત્યાં ગુનો નોંધવામાં આવે. સરકાર દ્વારા આવી કામગીરી કોઈ ઘટના પછી કરાય છે જેમ કાંકરિયા માં ગેમ તૂટી અને લોકો ઘવાયા ત્યારે પણ તમામ ગેમઝોન બંદ કરવામાં આવેલ પણ થોડો સમય પછી બધા જ જેસે થે ની સ્થિતિ માં આવી ગયેલ. આ પ્રક્રિયા દરમિયાન નિયમો નું પાલન કરતાં અને ન કરતાં તમામ ગેમઝોન બંદ કરાયેલા. હાલ પણ આજ પરિસ્થિતિ ચાલી રહી છે.
જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવામાં આવશે
રાજ્ય સરકારની આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે તે નક્કી નથી, પરંતુ અત્યારે સરકારી તંત્ર સક્રિય થયું હોય તેવો દેખાવ કરે છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે કે જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવામાં આવે. કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. તેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સૂચના અનુસાર રાજ્યમાં રાજકોટની ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં તમામ શહેરોના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ આદેશમાં જણાવ્યું છે કે દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે. જે તે એકમમાં ફાયર એનઓસી છે કે નહીં તેની ચકાસણી કરશે. કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહીં હોય તો એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે ૧૫૦ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યની મળીને કુલ ૧૬૦૦થી વધુ સ્કૂલોમાં ડીઈઓ કચેરીની ૩૦થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.અમદાવાદમાં ડીઈઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ૧૦૦ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં ૨૦ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી થઈ રહી છે. જે શાળાઓની ફાયર એનઓસીની મુદ્દત એક મહિનામાં પૂરી થવાની હોય તેમને ફાયર એનઓસી રિન્યુ કરવા માટે જણાવાયું છે. કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે, પરંતુ તે બંધ હાલતમાં પડેલા છે અથવા તેનો કયારેય ઉપયોગ જ નથી થયો. આ ઉપરાંત આ સાધનો વસાવ્યા પછી તેને કેવી રીતે ચલાવવા તેની તાલીમ પણ જરૂરી બાબત છે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં હાલમાં ચેકિંગ ચાલુ છે