Karni Sena Leader Raj Shekhawat : ભાજપના પીઢ નેતા અને લોકસભા ચૂંટણી માટે રાજકોટ બેઠક પરથી ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને લઈને ચાલી રહેલો વિવાદ દિવસને દિવસે વધુ જોર પકડી રહ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે એક ટિપ્પણી કરી હતી જેના કારણે આ વિવાદ થયો છે અને ક્ષત્રિય સમાજ તેમના પર રોષે ભરાયો છે. છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવાની માંગ સાથે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તેવામાં મંગળવારે ગુજરાત કરણી સેનાના નેતા રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટની બહારથી પોલીસે અટકાયત કરી હતી. રાજ શેખાવતે ભાજપના મુખ્ય કાર્યાલય કમલમનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે ભગવા ધ્વજ અને લાકડીઓ સાથે ક્ષત્રિયોને ગુજરાત ભાજપ મુખ્ય કાર્યાલય કમલમનો ઘેરાવ કરવા હાકલ કરી હતી. જોકે, આ કાર્યક્રમ સફળ રહ્યો નથી કારણ કે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા રાજ શેખાવતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ પરથી જ ડિટેઈન કરી લીધા હતા.
અટકાયત દરમિયાન રાજ શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત જ્યારે પોલીસ વાનમાં લઈ જતી વખતે પોલીસકર્મીએ તેમની પાઘડી આકસ્મિક રીતે ઉતારી દીધી હતી જેના કારણે તેઓ રોષે ભરાયા હતા.
બીજી તરફ કમલમની બહાર જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ શેખાવતની અટકાયત બાદ કમલનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ નિષ્ફળ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. અટકાયત પહેલા શેખાવતે એરપોર્ટ પરથી એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે તેમની અટકાયત કરવામાં આવી અને તેમને લઈ જવામાં આવ્યા ત્યારે કરણી સેનાના કેટલાક કાર્યકરો પણ એરપોર્ટ પર હાજર હતા.