ગુજરાતના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મફત વીજળી આપવાના વચન પર રાજ્યની વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે લોકોને તેમની છત પર ‘રૂફટોપ સોલર સિસ્ટમ’ રાખવા માટે પ્રોત્સાહિત કરવું એ 200 અથવા 300 યુનિટ સુધી મફત વીજળી આપવા કરતાં વધુ સારું છે.
સોલાર પેનલ દ્વારા લોકોએ 2000 કરોડ રૂપિયા બચાવ્યા: દેસાઈ
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન બોલતા તેમણે જણાવ્યું હતું કે, રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા દેશમાં વીજળી ઉત્પન્ન કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ પાંચ લાખ પરિવારોએ તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવી છે, જેના કારણે વીજ બિલમાં રૂ. 2,000 કરોડનો ઘટાડો થયો છે.
લોકો વધારાની વીજળીથી પૈસા કમાઈ શકે છે
સોલાર ઇલેક્ટ્રિફિકેશન (સૂર્યા)ને પ્રોત્સાહન આપવા માટેની ગુજરાત સરકારની યોજના અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 200 થી 300 યુનિટ મફત વીજળીની ઓફર કરતાં રૂફટોપ સોલર સિસ્ટમ્સ ઘણી સારી છે. તેમણે કહ્યું કે આ યોજનાથી લોકો માત્ર તેમના વીજળીના બિલમાં જ બચત કરી શકશે નહીં પરંતુ તેમની છત પર લગાવેલી સોલાર પેનલ દ્વારા વધારાની વીજળી વેચીને પૈસા પણ કમાઈ શકશે.
લોકોએ વીજળી વેચીને 200 કરોડ રૂપિયા કમાયા
કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ પાંચ લાખ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને લોકોએ આશરે રૂ. 2,000 કરોડની બચત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સોલાર પેનલ દ્વારા લોકોએ બચેલી વીજળી વેચીને 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. મંત્રીએ કહ્યું કે ગુજરાત સરકાર આ ઘરોમાંથી યુનિટ દીઠ રૂ. 2.25ના દરે વધારાની વીજળી ખરીદે છે.