Junagadh Lok Sabha Election 2024 : આજે ગુજરાતની 25 લોકસભા બેઠક તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. એવામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં વિશિષ્ટ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપતું મતદાન મથક સૌ કોઈનું ધ્યાન ખેચી રહ્યું છે.
હકીકતમાં જૂનાગઢના મોતીબાગ નજીક આવેલ શ્રીમતી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પર્યાવરણના રક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ગીરનાર નો સંદેશ આપતું મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.
આ અંગે અહીં મતદાન કરવા માટે સહપરિવાર આવેલા તુષાર છત્રારાએ જણાવ્યું કે, ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ નો સંદેશ આપતું આદર્શ મતદાન મથક તૈયાર કરવું પ્રશાસન દ્વારા ઉમદા પહેલ છે. આ પ્રકારના મતદાન મથકથી મતદારોનો ઉત્સાહ વધે છે.
આ મતદાન મથકમાં પર્યાવરણ જાગૃતિ માટેના જુદા જુદા સંદેશો પણ દર્શાવવામાં આવ્યા છે. આમ પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે સર્વને માટે જરૂરી છે. ગિરનાર સહિતના વિસ્તારમાં પણ પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટેનું અભિયાન ચાલી રહ્યું છે. તેમણે અહીં વ્યવસ્થાઓની સરાહના કરી હતી.
આટલું જ નહીં, આ મતદાન મથક ખાતે મત આપવા આવી રહેલા મતદારોને છોડ આપી વૃક્ષ ઉછેર અને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.