Junagadh Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમા ચૂંટણી લડી રહ્યા છે. જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત નક્કી છે. કોંગ્રેસના હીરાભાઈ જોટવાને પાછળ રાખીને રાજેશ ચુડાસમા સતત ત્રીજી વખત જીત તરફ આગળ વધી રહ્યાં છે. તેઓ 1 લાખ માતાના લીડથી આગળ વધી રહ્યાં છે. બેઠક ભાજપ માટે ગઢ ગણવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર 1991થી ભાજપનો દબદબો છે. 2004માં કોંગ્રેસના જશુ બારડે સતત 4 વખતથી જીતીને સાંસદ બનનારાં ભાવનાબેન ચીખલિયાને હરાવીને જીત મેળવી હતી, પરંતુ 2009થી આ બેઠક પર સતત ભાજપની જીત થઈ રહી છે. આ વખતે જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા વચ્ચે જંગ જામ્યો હતો. ત્યારે જુનાગઢમાં રાજેશ ચુડાસમા ફરી જીત મેળવશે કે હીરાભાઈ જોટવા બાજી પલટાવશે તે હવે જાણવું રસપ્રદ બની રહેશે.
કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા
જૂનાગઢ લોકસભાના બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવા છે. હીરાભાઈ જોટવા રાજકારણમાં અગ્રણી નેતા છે, તેઓ 1991 થી રાજનીતિમાં સક્રિય છે. આહીર સમાજના અગ્રણી છે હીરાભાઈ જોટવા. હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BA નો અભ્યાસ કરેલો છે. તેઓ રાજકારણ, ખેતી, શિક્ષણ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.1995-2000 2019-2022 સુધી પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યાં હતા. 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી હાર્યા હતા.
ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા
ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે. તેઓ કોળી જ્ઞાતિમાંથી આવે છે. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા. તેઓ 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ચૂંટાયા હતા. તેઓ જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાંથી 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2014માં સૌથી નાની વયના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તો વર્ષ 2019માં દોઢ લાખની લીડથી રાજેશ ચુડાસમા વિજેતા થયા હતા.
જાતિગત સમીકરણ
જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો, કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.
પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહ્યું હતું અને પાછલા બે ચૂંટણીમાં ભાજપના કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે ભાજપે ફરી એકવાર રાજેશ ચુડાસમાને રિપીટ કરીને જાતિગત સમીકરણના આધારે આ બેઠક કબજે કરવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે.
જૂનાગઢ લોકસભા સીટ પર 58.91 ટકા મતદાન
જુનાગઢ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. જામનગરમાં કુલ 58.91 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જૂનાગઢમાં 54.47 ટકા, કોડીનારમાં 60.67 ટકા, માંગરોળમાં 62.96 ટકા, સોમનાથમાં 70.16 ટકા, તલાલામાં 60.31 ટકા, ઉનામાં 58.22 ટકા અને વિસાવદરમાં 46.58 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ?
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમનો કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશ સામે 1,50,185 મતોથી વિજય થયો હતો. રાજેશ ચુડાસમાને 54.51 ટકા અને પૂજાભાઈ વંશને 39.57 ટકા વોટ મળ્યા હતા.
જુનાગઢ લોકસભા બેઠક 11 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી
1 રાજેશભાઈ ચુડાસ્મા ભાજપા
2 હીરાભાઈ જોતવા કોંગ્રેસ
3 જયંતિલાલ માંકડિયા બસપા
4 અલ્પેશકુમાર ત્રાંબડિયા લોગ પાર્ટી
5 ઈશ્વર સોલંકી રાઈટ ટુ રિકોલ પાર્ટી
6 આરબ હાસમ સુમરા અપક્ષ
7 ગોરધનભાઈ ગોહેલ અપક્ષ
8 નાથાભાઈ ડાકી અપક્ષ
9 દેવેન્દ્રભાઈ મોતીવરસ અપક્ષ
10 ભાવેશ બોરીચાંગર અપક્ષ
11 દાનસિંગ વાઢેર અપક્ષ