GST કૌભાંડ ( GST Scam ) માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના એક વરિષ્ઠ પત્રકારની ધરપકડ કરી છે. પત્રકાર પર નકલી દસ્તાવેજો દ્વારા પોતાની પત્ની અને પિતાના નામે બોગસ ફર્મ બનાવવાનો અને શંકાસ્પદ વ્યવહાર કરવાનો આરોપ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) અજીત રાજિયને કહ્યું કે પૂછપરછ બાદ પત્રકાર મહેશ લંગાની ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે સવારે ધરપકડ કરી હતી.
ડીસીપીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ જીસેટ વિભાગને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહેશ લંગાની પત્ની અને પિતાના નામે બનાવટી કંપનીઓમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે સેન્ટ્રલ GST તરફથી ફરિયાદ મળ્યા બાદ, નકલી કંપનીઓ અને નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારને છેતરવાના ઈરાદા સાથે કામ કરતા અનેક વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
આ પછી, ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતની આર્થિક ગુના શાખા સાથે મળીને અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર સહિત રાજ્યભરમાં 14 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારી તિજોરીને છેતરવા માટે દેશભરમાં 200 થી વધુ નકલી કંપનીઓ બનાવવામાં આવી હતી. કરચોરી માટે આવી કંપનીઓ બનાવવા માટે બનાવટી દસ્તાવેજો અને ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ કહ્યું કે એક મોટું જૂથ નકલી બિલ અને દસ્તાવેજો દ્વારા દેશને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના ષડયંત્ર પર કામ કરી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે ધ્રુવી એન્ટરપ્રાઈઝ, ઓમ કન્સ્ટ્રક્શન, રાજ ઈન્ફ્રા, હરેશ કન્સ્ટ્રક્શન કંપની અને ડીએ એન્ટરપ્રાઈઝ સહિત અનેક કંપનીઓ સામે એફઆઈઆર નોંધી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં દેશમાં મોટા પાયે નકલી કંપનીઓ બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવાના મામલા GST વિભાગના ધ્યાન પર આવ્યા છે. વિભાગને મોટી સંખ્યામાં બોગસ પેઢીઓ મળી આવી છે. સેન્ટ્રલ જીએસટી વિભાગ તેમની સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે.
આ પણ વાંચો – જિલ્લા કલેકટરએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા