- ઉજવણીમાં પાલનપુરની વિનયવિદ્યામંદિર અને લાખણીની અદ્વૈત વિદ્યાલયના 750 થી પણ વધુ બાળકોએ ભાગ લીધો
Banaskantha News ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર અને ગુજરાત સરકાર સાયન્સ અને ટેકનોલોજી વિભાગ પ્રેરીત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ,પાલનપુર સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠામાં છેલ્લાં 19 વર્ષથી કાર્યરત છે. નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિને પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂકીને ઈતિહાસ રચ્યો ત્યારથી આ અવકાશી માઇલસ્ટોન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 2021 માં યુનાઇટેડ નેશન્સે સત્તાવાર રીતે 20મી જુલાઈને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે જાહેર કર્યું હતું.
જે અનુસંધાને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાલનપુરની વિનયવિદ્યામંદિર શાળા અને લાખણીના અદ્વૈત વિદ્યાલય ખાતે જુદી જુદી પ્રવૃત્તિઓ મારફતે ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણીમાં 750 કરતાં વધુ બાળકો સહભાગી બન્યા હતાં.
વિનય વિદ્યામંદિર પાલનપુરમાં મુખ્ય મહેમાન શ્રી આર.આર.મહેતા, સાયન્સ કોલેજના ફિઝિક્સ વિભાગના એચ.ઓડી અને શ્રી ડૉ.આર.જે.પાઠક દ્વારા ‘અંતરીક્ષમાં વિજ્ઞાન અને ચંદ્ર’ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ ક્વિઝ, મોડેલ એક્ઝિબિશન જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ચંદ્ર દિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.
અદ્વૈત વિદ્યાલય જસરા ખાતે ચંદ્ર દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય થયેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિનય વિદ્યામંદિરના આચાર્યશ્રી અલકાબેન સોની, લાખણી તાલુકાની અદ્વૈત વિદ્યાલયના આચાર્યશ્રી મનોજભાઈ દવે, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બનાસકાંઠાના કો-ઓર્ડીનેટર ત્વરા ભરત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.