ગુજરાતના માહિતીખાતા પરિવારના નિવૃત્ત કર્મયોગીઓનું સ્નેહમિલન સંપન્ન
માહિતીખાતાના નિવૃત્ત કર્મયોગીઓનું સ્નેહમિલન પુર્વ માહિતી નિયામક શ્રી જ્યોતિદ્ર દવે, પુર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રીમતી શકુંતલાબેન ગોર, માહિતી-પ્રસારણ વિભાગના પુર્વ સચિવ શ્રી એમ.સી.નાયક અને રાજ્યભરમાંથી પધારેલા માહિતીખાતાના નિવૃત્ત કર્મયોગી ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં, ભારે ઉત્સાહ અને ઉમળકા સાથે યોજાયું હતું. જેમાં વિદાય લઈ ગયેલા – દિવંગત સાથીઓની યાદમાં મૌન અને તેમને શ્રધ્ધાસુમન સાથે, ૭૫ વટાવી ચૂકેલા સાથીઓનું શાલ અને સ્મૃતિચિહ્ન સાથે અભિવાદન પણ કરાયું હતું.
ઉપસ્થિત સૌએ જુના સંસ્મરણો અને યાદોને વાગોળીને, નવા વર્ષના આરંભ પછી યોજાયેલ આ સ્નેહમિલન સમારોહમાં પરસ્પર શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું.
માહિતી પરિવારના નિવૃત્ત કર્મયોગીઓની નિષ્ઠાભરી સમર્પિત સેવાઓના સાક્ષી એવા પુર્વ માહિતી નિયામક અને આ સમારોહના અધ્યક્ષ શ્રી જ્યોતિદ્ર દવેએ, નિવૃત્તીમાં પણ પ્રવૃત્ત રહી શેષ જીવનમાં વધુ સ્વસ્થ રહી પોતાનામાં રહેલી શક્તિઓનો સૌ કોઈને સહાયરૂપ બની શકાય એ રીતે સમુચિત ઉપયોગ કરવા ઉપર ભાર મુક્યો હતો.
અતિથિવિશેષપદે ઉપસ્થિત પુર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રીમતી શકુંતલાબેન ગોરે એક સમયના સાથીઓને આ સ્નેહમિલન નિમિત્તે રૂબરૂ મળવાનો અવસર મળ્યો તેનો રાજીપો વ્યક્ત કરીને, નિવૃત્ત કર્મયોગીઓને એક છત્ર નીચે એકઠા કરવાના સંનિષ્ઠ પ્રયાસને બિરદાવ્યો હતો.
વિશેષ નિમંત્રિત વરિષ્ઠ સનદી અધિકારી શ્રી એમ.સી.નાયકે, એ સમયે પ્રચાર-પ્રસારની આજ જેવી અદ્યતન સુવિધાઓ નહોતી ત્યારે, પરસ્પર કોઈ પૂર્વગ્રહ કે દ્વેષભાવ વિના એમની સરકારી સેવામાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા માહિતી ખાતાના સૌ નિવૃત્ત કર્મયોગીઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
નિવૃત્તી પછી પણ એમની ઉપયોગીતાને સાર્થક કરી રહેલા અધિક માહિતી નિયામક અને જાણીતા મોટિવેશનાલીસ્ટ અને કોલમ્નિસ્ટ શ્રી પુલક ત્રિવેદીએ ન માત્ર આ સમારોહનું મનભાવન સંચાલન કર્યું હતું, “જીવન જીવવાની સાચી ઉમર અને સૌંદર્ય ” વિષય પર મનનીય વક્તવ્ય પણ આપ્યું હતું.
સમારોહની આભારવિધિ પુર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમારે કરી હતી.
ઉલ્લેખનીય અને સરાહનીય વાત એ રહી કે સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકેલા પુર્વ નાયબ માહિતી નિયામક શ્રી રામચંદ્ર બારોટે મંડળને રૂ.૧૧૦૦૦નું અનુદાન આપ્યું તો શ્રી પુર્વ માહિતી કર્મયોગીઓ શ્રી લક્ષ્મણસિંહ રાજપૂતે સન્માન માટેના સ્મૃતિચિહ્નો અને કિર્તી જે. પરમારે વુલન શાલો પોતાના તરફથી આપી હતી.
આજના સમારોહમાં માહિતી પરિવારના નિવૃત્ત કર્મયોગીઓના મંડળ (સેતુ)ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પુર્વ માહિતી કર્મયોગીઓ શ્રી રણછોડભાઈ નાયકને અધ્યક્ષ પદની અને કિર્તી જે. પરમારને મંત્રીપદની જવાબદારી બહાલ રાખવામાં આવી હતી. દિનેશ ચૌહાણ અને ધીરુભાઈ કોટવાલની ઉપપ્રમુખો તરીકે, સર્વ શ્રી જી.આર.મારુ, મયુર શાહ, જગદીશ સત્યદેવ, સંજય શાહ, આર.એસ.પટેલની સંગઠન મંત્રીઓ તરીકે અને સર્વશ્રી બી.ડી.વાણવી, વસંત દવે, મિશ્રાભાઈની સહમંત્રીઓ તરીકે તથા પ્રવીણ પટેલની કોષાધ્યક્ષ તરીકેની નિમણૂંકોને બહાલ રાખવામાં આવી હતી.
સર્વ શ્રી જ્યોતિદ્ર દવે, પ્રકાશ લાલા, પુલક ત્રિવેદી, નટુભાઈ પરમાર, હર્ષદ ઠાકર, શકુંતલાબેન ગોર, વિભૂતિબહેન છાયા, પ્રજ્ઞાબેન પટેલની આ સંગઠનના માનદ સલાહકારો રૂપે વરણી કરાઈ હતી.
સર્વ શ્રી શંભુ દેસાઈ, મુકેશ પટેલ, કુ. સ્વાતિ રામાણી, એચ. કે. દોશીની કારોબારી સભ્યો તરીકે વરણી થઈ હતી.