આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થશે તે નક્કી છે. આ બ્લોકબસ્ટર મેચમાં ભારતની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. તો બાબર આઝમના ખભા પર પાકિસ્તાન ટીમનો દારોમદાર રહેશે. ભારત અને પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ની શરૂઆતની બંને મેચમાં જીત હાંસલ કરી છે. એવામાં બંને ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. પરંતુ ખરાખરીનો જંગ તો સટ્ટોડિયાના બજારમાં જામશે.
ભારત પાકિસ્તાનની મેચના સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ છે. આ મેચમાં સટ્ટાનો આંક પાંચ હજાર કરોડને પાર થવાની શક્યતા પણ વધી છે. સૌથી વધારે સટ્ટો ડીસા અને ભાભરની લાઇનથી બુક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, નાના સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરાવવા માટે મોબાઇલ ફોનથી સટ્ટો રમાડતા યુવકોની સંખ્યા પણ વધી છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે.
સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જેમાં હારજીત પર શરૂ થયેલા સટ્ટામાં ભારત તરફે સૌથી વધારે 75 ટકાથી વધારે સટ્ટો છે. જ્યારે પાકિસ્તાનની જીતની શક્યતા 25 ટકા જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે મેચના ટોટલ સ્કોર, 300 થી વધારે સ્કોર અને પાવર પ્લેમાં સૌથી વધારે રન તેમજ અલગ અલગ સેશન પર પણ સટ્ટો ભારતની તરફેણમાં છે
દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. મોદી સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.