(માહિતી બ્યુરો,પાલનપુર)
- પ્રાકૃતિક ખેતી થકી આપણા દેશને રસાયણના ઝેરથી મુક્ત કરીએઃ
- અખિલ ભારતીય સહ સંગઠન મંત્રીશ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણના અધ્યક્ષસ્થાને “શ્રી અન્ન” વિષય પર આજ તા. ૩૦ ઓક્ટોબરથી ત્રિદિવસય રાષ્ટ્રીય કક્ષાના સમારોહનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આવતીકાલ તા. ૩૧ અને અને ૧ લી નવેમ્બર-૨૦૨૩ એમ ત્રણ દિવસ સુધી ચાલનારા આ ત્રિદિવસીય રાષ્ટ્રીય સમારોહના ઉદ્દઘાટન સમારોહના અતિથિ વિશેષ તરીકે ભારતીય કિસાન સંઘના અખિલ ભારતીય સહ સંગઠન મંત્રીશ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા, નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી ડો. સી. કે. ટીંબડીયા, દિનદયાલ શોધ સંસ્થાનના શ્રી અતુલ જૈન, સંશોધન નિયામકશ્રી ડો. સી. એમ. મુરલીધરન અને ચીમનભાઇ પટેલ કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડો. એસ. ડી. સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહના અધ્યક્ષ કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણે જણાવ્યું કે, શ્રી અન્નની ભારતમાં પ્રાચીન કાળથી ખેતી કરવામાં આવે છે. ભારત દેશ શ્રી અન્નનું ૮૦% જેટલું ઉત્પાદન અને ઉપયોગ કરે છે. UNO દ્વારા વર્ષ ૨૦૨૩ને “આંતરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ” તરીકે જાહેર કરવામાં આવેલ છે.
શ્રી અન્ન પોષક તત્વોથી ભરપૂર છે. શ્રી અન્ન પાકો જેવા કે બાજરી, જુવાર, રાગી, સામો, બંટી, કાંગ, કોદરી વગેરે છે. જેમાં કેલ્શિયમ, ઝીંક, આયર્ન જેવા પોષક તત્વો વધારે પ્રમાણમાં હોય છે. ભવિષ્યની અંદર શ્રી અન્નની આંતરરાષ્ટ્રીય માંગ વધે તથા મૂલ્ય વર્તન ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ભારતીય કિસાન સંઘના અખિલ ભારતીય સહ સંગઠન મંત્રીશ્રી ગજેન્દ્રસિંહજી શેખાવતે જણાવ્યું કે, રસાયણોના અતિશય ઉપયોગના લીધે હરિત ક્રાંતિ બાદ જમીન બંજર બની ગઈ છે. શ્રી અન્ન એટલે શ્રી નો અર્થ છે શક્તિ (ઊર્જા) અન્ન એટલે અનાજ. જ્યારે આજના સમયમાં શ્રી અન્ન અને ગૌ આધારિત ખેતી જેવા વિષયો સાથે દેશના ખેડૂતોને આગળ વધવાની જરૂરિયાત છે. શ્રી અન્ન પોષણથી ભરપૂર છે. પ્રાકૃતિક ખેતી થકી આપણા દેશને રસાયણના ઝેરથી મુક્ત કરીએ.
આ સમારોહની શરૂઆતમાં ડો. સી. એમ. મુરલીધરન દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિનદયાલ શોધ સંસ્થાનના શ્રી અતુલ જૈને જણાવ્યું કે, આપણે જેવું અન્ન ખાઇશું એવું આપનું મન થશે. શ્રી અન્નએ લોકલ પ્રાકૃતિક પાક છે જે ઓછા પાણી સામે તેમજ બદલતા જળવાયું સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે એટલે શ્રી અન્નની ખેતી કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું.
આ રાષ્ટ્રીય સમારોહમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો, રિસર્ચ સ્કૉલર, વિદ્વાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ એમ કુલ મળી ૩૫૦ થી વધારે વ્યક્તિઓએ ભાગ લીધો છે. આ સમારોહમાં કુલ ૨૪ લીડ પેપર અને ૧૨૫ પેપર રજૂ થનાર છે. સમારોહમાં પધારેલ મહાનુભાવોના હસ્તે સંશોધન પત્રોના કંપોન્ડીયમ તેમજ “એસેન્સિયલ ઓફ મિલેટ્સ (શ્રી અન્ન: ધ ન્યૂટ્રીસિરિયલ)” બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ જણાવ્યું છે.