Breaking News : સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં ગરમીને કારણે 10ના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર, અચાનક બેભાન થયા બાદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. 10માંથી 1નું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય મૃતકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અહીં પણ ગરમીથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગરમીથી વડોદરામાં સાત દિવસમાં 19 લોકોના મોત થયા છે.
હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.. હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.
સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં 10નાં મોત
સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત નિપજ્યાં છે. જેમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે.
મૃતકોની યાદી
પાંડેસરા: સુશાંત શેટ્ટી (45)ને હીટસ્ટ્રોક બાદ ખેંચ આવતા સિવિલ ખસેડાયા બાદ મોત.
પરવટ: મંગા રાઠોડ (50) ઘરે ખેંચ આવી બેભાન થતાં સ્મીમેર ખસેડાયા, જ્યાં મૃત જાહેર કરાયા હતા.
ગોપીપુરા મોમનાવાડ: કિશનસિંગ વિશ્વકર્મા (40) દુકાનના ઓટલા પર બેભાન. સિવિલમાં મૃત જાહેર.
વરાછા ટાંકલી ફળિયા: 50 વર્ષીય અજાણ્યા આધેડ બેભાન હાલતમાં સ્મીમેર ખસેડાતાં મૃત જાહેર .
હજીરા મોરા ટેકરા: સુદર્શન યાદવ (45) એલ એન્ડ ટીમાંથી જતા ગેટ નં.3 પાસે બેભાન, સિવિલમાં મોત
સચિન : ચેતન પરાડ (39) સવારે નહીં ઉઠતાં સિવિલ ખસેડાયા, જ્યાં મૃત જાહેર કરાયા હતા.
રાંદેર: વિજય પાટીલ (40) રાત્રે ગભરામણ બાદ બેભાન થતા સિવિલ ખસેડાયા, જ્યાં મૃત જાહેર.
પાંડેસરા અંબિકા નગર: 30 વર્ષીય અજાણ્યો યુવક રાત્રે બેભાન થતા સિવિલ ખસેડાયો, સવારે મોત.
વેસુ આવાસ: અનિલ ગોડસે (38) રાત્રે બેભાન હાલતમાં સિવિલ ખસેડાતાં મૃત જાહેર કરાયો
અશ્વનિકુમાર મોદી મહોલ્લા: મુકેશ પંડિત (45) ઘરે ગભરામણ બાદ બેભાન, સ્મીમેરમાં મૃત જાહેર.
નોંધનીય છે કે હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 25 મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ગત દિવસોમાં સુરતમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહ્યું છે, જયારે આગામી દિવસોમાં સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે