Gujarat News: લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય, લોકશાહી મજબૂત બને અને દેશના વિકાસમાં આપને પણ સહભાગી થઈએ તે માટે આજે ડીસા તાલુકાના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોએ સો ટકા મતદાન કરવાના શપથ લીધા છે. તેમજ બાઈક રેલી યોજી મતદારોને પણ જાગૃત કર્યા છે.
લોકશાહી મજબૂત બને માટે બાઈક રેલી
બનાસકાંઠા લોકસભા બેઠક પર 100 ટકા મતદાન થાય તે માટે ડીસા મામલતદાર નિકુલેશ દરજી, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, તાલુકા કેળવણી નિરિક્ષક અશ્વિન પટેલ સહિત શિક્ષકો અને સરકારી કર્મચારીઓ કટિબદ્ધ બન્યા છે. આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં સાતમી મેના રોજ યોજાનાર છે. ભારતએ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો માતાધિકારનો હકક અમૂલ્ય છે. દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો ફાળો આપે એવા હેતુથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સરકારી કર્મચારીઓએ લીધી પ્રતિજ્ઞા
ડીસા મામદા કચેરી ખાતે આજે તમામ શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ ભેગા થઈ સો ટકા મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી અને મતદાર જાગૃતિનો સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તમામ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેના બેનરો સાથે બાઇક રેલી યોજી હતી. આ બાઈક રેલી મામલતાર કચેરીથી નીકળી સાઈબાબા મંદિર, ફુવારા સર્કલ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર સહિત શહેરના વિવિધ માર્ગો પર ફરી મતદારોને જાગૃત કર્યા હતા. ચૂંટણીમાં મતદારોને પણ પૂર્ણ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવી દેશના વિકાસમાં પોતાનુ યોગદાન આપવા માટે અપીલ કરી હતી.