શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે, ત્યારે ગુજરાત શિક્ષણ મંત્રાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી. શિયાળામાં વિદ્યાર્થીઓને અનુકૂળ કપડાં પહેરવા છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ પર ગરમ કપડા બાબતે દબાણ ન કરવામાં આવે તેવી શાળાને સૂચના આપવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં DEO દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધીકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા પડશે તેમ જણાવવામાં આવ્યું છે.
ત્યારે ઋતુ આધારે આ સૂચનાનું કાયમી ધોરણે પાલન કરવા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શાળાઓને આ અંગે દરેક વખતે સુચના આપવી જરૂરી નહી રહે. શાળામાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરી શકશે. જે સૂચનાનું કાયમી ધોરણે પાલન કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ વિરુદ્ધમાં કોઈ શાળા જશે તો વાલીઓ તેની જાણ જિલ્લાના શિક્ષણ અધિકારી સમક્ષ ફરિયાદ કરી શકે છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.