Loksbha Elelction 2024: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને પણ 72 ઉમેદવારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ખટ્ટર કરનાલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નામ પણ આ યાદીમાં છે. અનિલ બલુની ગઢવાલથી મેદાનમાં છે. હમીરપુરથી અનુરાગ ઠાકુરને તક આપવામાં આવી છે.
બીજેપીની બીજી યાદીમાં અશોક તંવરને સિરસાથી ટિકિટ આપવામાં આવી
બીજેપીની બીજી યાદીમાં અશોક તંવરને સિરસાથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુરુગ્રામથી રાવ ઈન્દ્રજીત સિંહ, ફરીદાબાદથી કૃષ્ણ પાલ ગુર્જર અને અંબાલાથી પૂર્વ સાંસદ રતનલાલ કટારિયાની પત્ની બંતો કટારિયાને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાના નેતૃત્વમાં સોમવારે રાત્રે યોજાયેલી ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશની 8 બેઠકો માટે ઉમેદવારોના નામ પર ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આંધ્રપ્રદેશમાંથી ડી. પુરંદેશ્વરી, વાય. સત્ય કુમાર, પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડી, સીએમ રમેશ અને વાયએસ ચૌધરીને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બીજેપીએ તેની પ્રથમ યાદી 2 માર્ચે બહાર પાડી હતી
બીજેપીએ તેની પ્રથમ યાદી 2 માર્ચે બહાર પાડી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે ફરી વારાણસી લોકસભા સીટ પરથી પીએમ મોદીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કિરેન રિજિજુ, સર્બાનંદ સોનોવાલ, વિજય બઘેલ, પ્રવીણ ખંડેલવાલ, મનોજ તિવારી, બંસુરી સ્વરાજ, રામવીર સિંહ બિધુરી, અમિત શાહ, પરશોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, અર્જુન મુંડા જેવા મોટા નામો ભાજપની પ્રથમ યાદીમાં સામેલ છે. ભાજપે પ્રથમ યાદીમાં એકમાત્ર મુસ્લિમ ડો.અબ્દુલ સલામને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. અબ્દુલ સલામને કેરળની મલપ્પુરમ લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશા લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અર્જુનરામ મેઘવાલ બિકાનેર (SC) બેઠક પરથી ચૂંટણી લડશે. ઓમ બિરલાને કોટા અને સીપી જોશીને ચિત્તોડગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.