પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુખ્યમંત્રીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા મહિલા કૉન્સ્ટેબલ અને તેમના પતિ તેમજ અન્ય એક કારમાં સવાર બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટણમાં મુખ્યમંત્રીના બંદોબસ્તમાં રહેલા મહિલા કોન્સ્ટેબલ રેખાબેન દેસાઈ પોતાના પતિ સાથે સ્વીફ્ટ કારમાં પોતાના ઘરે સાંથલી ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર સમી-રાધનપુર હાઈવે પર આવેલ વરણા ગામ નજીકની ખોડિયાર હોટલ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ગોઝારીયા તરફ જઈ રહેલી ઈકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સ્વીફ્ટ કારમાં સવાર રેખાબેન અને તેમના પતિ વિષ્ણુભાઈ તેમજ ઈકો કારમાં સવાર 2 મહિનાની કાવ્યા નામની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અકસ્માતમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી એક મહિલાને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 8ને સામાન્ય ઈજા હોવાથી તેમને ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં સમી પોલીસ મથકના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબજો મેળવીને તેમને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે.