Rajkot News: રાજ્યમાં હિટ એન્ડની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડની કાળી શાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજકોટમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. રાજકોટમાં નબીરાએ વૃદ્ધ મહિલાને 4 કિમી સુધી ઢસડી હતી, મહિલા ચીસો પાડતા રહ્યા પણ કારચાલકે કાર રોકની જ નહોતી, અને અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના કણકોટ રોડ પર બેફામ સ્પીડે એક અર્ટીગા કાર આવી હતી અને રોડની સાઇડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજ્યાબેન બથવાર નામના વૃદ્ધાને ઠોકર મારી હતી. તેમજ અકસ્માત બાદ કાર ઉભી રાખવાના બદલે કાર ચાલક 4 કિ.મી. સુધી વિજ્યાબેનને ઢસડીને લઇ ગયો હતો. બનાવ સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો પરંતુ કાર ચાલકે ઉભી રાખી ન હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારનો પીછો કર્યો હતો.
જોકે 4 કિ.મી. દૂર વિજ્યાબેનનો મૃતદેહ મળ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે કણકોટ રોડ વિસ્તારના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને રાત્રીના સમયે બેફામ વાહન ચલાવનારાઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. બનાવની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ પહોંચી હતી. વિજયાબેનને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને ફરાર કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે.
મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે, મે ઘણી બૂમો પાડી કાર ચાલકને મારા મમ્મી ઢસડાતા-ઢસડાતા જાય છે. પરંતુ કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી. હું પાછળ દોડ્યો હતો. પણ એ ભાગી ગયો. અકસ્માત અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, રાધે હોટલ પાસે માજી અને એક ભાઈ ચાલીને જતા હતા અને સાઇડમાં હતા એ સમયે એક ગાડી આવી અને માજીને અડફેટે લીધા હતા. ભાઈએ ઘણી બૂમો પાડી પણ કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી. હું પણ પાછળ દોડ્યો હતો. કાર ચાલક 4 કિ.મી. સુધી માજીને ઢસડીને લાવ્યો હતો. આખા રોડ પર માજીને ઢસડ્યા હોવાના લીટા પડી ગયા છે