Heatwave in Gujarat: હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.
IMD એ તેના ગુજરાત માટેના નવીનતમ બુલેટિનમાં જણાવ્યું હતું કે રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને વલસાડ જિલ્લામાં ગરમીના મોજાની સ્થિતિ જોવા મળી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવાર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા અને વલસાડ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે આ વિસ્તારોમાં ગરમીનું મોજુ યથાવત રહેશે. IMDએ કહ્યું કે લોકોએ હીટ વેવના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. તેઓએ પૂરતા પ્રમાણમાં પાણી અને લસ્સી અને છાશ જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. ઉપરાંત, બાળકો અને વૃદ્ધોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. લોકોને સૂચન કરવામાં આવ્યું છે કે જો તેઓને આ સમયગાળા દરમિયાન બહાર જવાનું હોય, તો તેઓએ તેમના શરીરને સંપૂર્ણપણે ઢાંકીને જ કરવું જોઈએ. હવામાન વિભાગે 19 થી 23 મે દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે તાપમાનનો પારો 45.5 ડિગ્રીએ પહોંચ્યો હતો જે રાજ્યમાં સૌથી વધુ હતો. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. દ્વારકામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું છે.