Gujarat News: જામનગરમાં હાલ ઉત્સવનો માહોલ છે. ભારતનાં સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનાં નાના પુત્ર અનંત અંબાણી અને તેની થનાર પત્ની રાધિકા મર્ચન્ટનાં પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં એકથી એક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલેલા આ ભવ્ય સેલિબ્રેશનમાં દેશ દુનિયાનાં અનેક મોટા માથાઑને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રિહાના, શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન અને દિલજીત દોસાંજ જેવા સેલિબ્રિટીઓએ પરફોર્મન્સ પણ આપ્યા હતા
મુકેશ અંબાણી અને તેઓનાં ધર્મ પત્ની નીતા અંબાણી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખુશખુશાલ દેખાતા હતા. તમામ કાર્યક્રમો ભવ્ય અને શાનદાર રીતે પૂર્ણ થયા હતા. અનંત અંબાણીએ પોતાનાં જીવન અને મમ્મી પપ્પા અંગે ઘણી હ્રદય સ્પર્શી વાત કરી હતી. જે સાંભળી હાજર લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા.
દીકરાનાં લગ્નમાં હરખ તો કોને ન હોય? અનંત અંબાણીનાં આગામી 4 મહિના પછી લગ્ન છે ત્યારે પ્રિ વેડિંગ કાર્યક્રમમાં તેઓનાં માતા નીતા અંબાણીએ પોતાનું એક પરફોર્મન્સ પણ આપ્યું હતું. જેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણી આ વિડીયોમાં પોતે વિશ્વંભરી સ્તુતિ પર નૃત્ય કરતાં જોઈ શકાય છે. તેઓનું આ અદભૂત નૃત્ય જોઈ સોશ્યલ મીડિયામાં લોકોએ તેઓની પ્રશંસા કરી હતી.
અનંત રાધિકાનાં મિલન માટે માં અંબાને આશીર્વાદ આપવા માટે આહ્વાન કરતાં અનંત અંબાણીનાં માતા નીતા અંબાણી વિશ્વંભરી સ્તુતિ પર મંત્ર મુગ્ધ કરી દે એટલા સરસ નૃત્ય સાથે પરફોર્મન્સ આપે છે. જેમાં તેઓ પોતે પણ સ્તુતિ ગાય છે. તેઓ નવરાત્રિની પોતાની બાળપણની યાદોને તાજી કરે છે અને આ સાથે જ સ્ત્રી શક્તિની ઉર્જા પોતાની પૌત્રીઓને આ નૃત્ય સમર્પિત કરે છે.