Smart Meter : રાજ્યના શહેરોમાં હાલ વપરાશમાં લેવાતા વીજ-મીટરને સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે પરંતુ આ સ્માર્ટ મીટરમાં વીજ-બિલ વધુ આવતો હોવાના આક્ષેપ સાથે વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં ઉગ્ર વિરોધ થયો છે. આ વિરોધનો સૂર બુલંદ કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે પરિણામ સ્વરુપ છેલ્લા બે દિવસથી ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. 21મીના મંગળવારે ગાંધીનગરમાં આ બાબતે GUVNL(ગુજરાત ઉર્જા વિકાસ નિગમ-Gujarat Urja Vikas Nigam) સાથે બેઠક યોજાયા બાદ 22મીના બુધવારે પણ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ્યની ચારેય વીજ કંપનીઓના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ GUVNLના MD જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, સ્માર્ટ વીજ મીટરને પગલે લોકો કોઈપણ ગેરસમજનો શિકાર ન બને અને તેમને કોઈપણ જાતની તકલીફનો સામનો કરવો ન પડે તે માટે હવે, પહેલાં લોકોને વિશ્વાસ સંપાદન કરાશે ત્યારબાદ જ લોકોના ઘરે નવા સ્માર્ટ વીજ મીટર લગાવાશે.
આ ઉપરાંત તેમણે એવો પણ નિર્ણય કરાયો છે કે, હવે પહેલાં કલેકટર ઓફિસ સહિતની તમામ સરકારી કચેરીઓમાં આ નવા સ્માર્ટ વીજ મીટર લગાવાશે. તેની સાથે જૂના હાલના સાદા વીજ-મીટરો પણ લગાવાશે અને આ બંને મીટરોમાં કોઈ તફાવત નથી, એ અંગે લોકોને સમજ અપાશે એટલું જ નહીં પરંતુ જે લોકોના ઘરે સ્માર્ટ વીજ મીટર ફીટ કરાશે, તેઓ જો માંગ કરશે તો તેમના ઘરે પણ નવા મીટરની સાથોસાથ જૂના-સાદા મીટર પણ લગાવાશે કે જેથી લોકો જૂના અને નવા મીટરના વીજ વપરાશના રીડીંગ કે બીલમાં કોઈ જ ફેર નથી, તે જાતે જ ચકાસી શકશે અને જો કોઈને પણ કોઈ વિસંગતતા જણાય તો તેઓ ઉર્જા વિભાગ કે વીજ કંપનીઓમાં ફરિયાદ કરી શકશે