Gujarat Weather: ગુજરાતમાં હવે આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસભર ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બપોરના સમયે હવે મોટાભાગના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે છે. આગામી 5 દિવસ આ શહેરોમાં પડશે આગ ઝરતો તાપ. મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.
ભાવનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર અને દિવમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનના કારણે ગરમી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમરેલીમાં 41.3 ડિગ્રી નોંધાઈ છે. તો અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કયો જિલ્લો સૌથી વધુ શેકાયો?
આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે.
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી હિટવેવની આગાહી કરી છે. આ દરમિયાન હવામાન વિભાગે 7 મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે. ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે.
લૂ થી બચવા આટલું ખાસ કરો
- રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
- વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
- શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો.
- વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
- આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
- લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી.
કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું
- કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુધ્ધ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું.
- બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપવું.
- સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું. કામદારોને હીટવેવ એલર્ટ વિશે માહિતગાર કરી, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહી, ઘરગથ્થુ ઉપાય કરવા. જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા.
- કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવવું. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, જેથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘટાડી શકાય.
- સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી.
- ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો.
- જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇપણ સદસ્યને જાણ કરો
ઘરને ઠંડુ રાખવા માટે આટલું કરો
- ઘરની દીવાલોને સફેદ રંગથી રંગવી. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર-જવર માટે ક્રોસ વૅટીલેશન અને થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરવો.
- સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખવી અથવા છત ઉપર શાકભાજી પણ ઉગાડી શકાય. ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવર વાળા પૂંઠા લગાવવા અથવા ઘેરા રંગના પડદા બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત 1 જ બારી ખોલો. બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો.
- લીલા રંગના છાપરા મકાનને કુદરતી ઠંડુ રાખે છે અને ઍર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે. ઍર કંડીશનરનું તાપમાન 24 ડીગ્રી કે તેનાથી વધુ રાખો, જેથી વિજળીનું બીલ ઓછુ આવે અને સાથે સ્વસ્થતાનું પણ ધ્યાન રાખી શકાય. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. જાડી દીવાલનું ચણતર કરવું, જે ઘરને અંદરથી ઠંડુ રાખશે. નીચેથી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમીને અટકાવે અને વધુ હવાને પરસ્પર થવા દેશે.