Gujarat News : રાજકોટમાં ૨૫મી મેના રોજ થયેલા અગ્નિકાંડ પછી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને ફાયર એન.ઓ.સી. તથા ગેરકાયદે બાંધકામ મુદ્દે સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અનેક જગ્યાએ નોટિસ આપ્યા વિના આડેધડ સીલ મરાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્રના આવા વલણથી વેપારીઓની હાલાકી વધી છે. જેના વિરોધમાં આગામી ૧૦મી જુલાઈને બુધવારના રોજ રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટના સંચાલકો દ્વારા બંધની જાહેરાત કરાઈ છે.
આ અંગે રાજકોટના રેસ્ટોરાં સંચાલક મેહુલ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ટીમ દ્વારા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ ઉપર ધોંસ બોલાવી કોઈ પણ નોટિસ વગર એકમોને સીધા સીલ કરી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન થઇ રહ્યું છે. નિયમ મુજબ નોટિસ પાઠવી ફાયર મામલે ખૂટતી સુવિધા પર્યાપ્ત કરવા તમામ લોકો બંધાયેલા છીએ, પરંતુ સમય આપ્યા વગર સીધા એકમો સીલ કરી દેવામાં આવતા અમારે ન છૂટકે વિરોધમાં ઉતરવું પડી રહ્યું છે.
રાજકોટના 1000થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો આ બંધમાં જોડાયા છે. બીજી તરફ હોટેલ સંચાલકોએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે અત્યારે સિલિંગની કાર્યવાહી સમયે પણ નિમીષાબેન નામના એક અધિકારીએ સીલ ખોલવાની પ્રક્રિયામાં 5 લાખની ખંડણી માગી હતી.
આડેધડ સિલીંગની કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન-
રાજકોટના હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોએ આજે કોર્પોરેશન દ્વારા કરાઇ રહેલી આડેધડ સિલીંગની કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન કર્યું છે જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને કાફેના સંચાલકો જોડાયા છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટની 800 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો હડતાળમાં જોડાયા છે. ફાયર NOC અને અલગ અલગ મુદ્દે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ હડતાળ પાડી છે. આ મામલે અગાઉ વેપારીઓએ મનપાને રજૂઆત પણ કરી હતી.
કયા કારણે હોટલો કરાઈ સીલ?
રાજકોટ હોટલ સંચાલકોએ કહ્યું કે પાર્ટી પ્લોટ બેન્ક્વેટ હોલને પણ હેરાન કરવામાં આવે છે. અત્યાર સુધી શું કાયદો ન હતો. અત્યારે જે ચાલતું હતું તેમાં અધિકારીઓની ગેરનીતી હતી. અત્યારે પણ એક અધિકારીને ડિસ્ચાર્જ કર્યા છે તે 5 લાખ રુપીયા માગતા હતા તેમનું નામ નિમીષાબેન હતું. તેમણે સીલ ખોલવાની પ્રક્રિયામાં 5 લાખની ખંડણી માગી હતી. અત્યારે તે લોકોને કામ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. અમે સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. અમારી માગ છે કે સીલ મારવાની પ્રક્રીયા ઇમરજન્સીમાં બંધ કરે. અત્યારે આરએમસીમાં જઇએ તો 1986નો કાયદો સમજાવે છે . ફાયર એનઓસી પાછળ તે પડ્યા છે. ફાયરના ઇક્વીપમેન્ટ અમારા બધા પાસે છે અને માત્ર ફાયર એનઓસીના કારણે સીલ કરી દેવાયા છે.