Gujarat News : લગભગ 47 મિલિયન વર્ષો પહેલા રહેતા વાસુકી ઇન્ડિકસ નામના સાપની એક પ્રાચીન પ્રજાતિ ગુજરાતમાં મળી આવી છે. સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં, સંશોધકોએ ગુજરાતના કચ્છમાં આવેલ પાનંધરાવ લિગ્નાઈટ ખાણમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલા નવા નમુનાનું વર્ણન કર્યું છે, જે મધ્ય ઇઓસીન સમયની છે. પૌરાણિક સાપના નામ પરથી આ પ્રજાતિનું નામ વાસુકી ઇન્ડિકસ રાખવામાં આવ્યું છે. વાસુકી નામ ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા નાગ પરથી પડ્યું છે. ઈન્ડીકસ શબ્દનો અર્થ ભારત થાય છે. વૈજ્ઞાનિકોએ આ નામથી બતાવ્યું છે કે આ સાપ ફક્ત ભારતમાં જ જોવા મળે છે અને તે ભગવાન શિવના નાગરાજ જેટલો શક્તિશાળી અને વિશાળ હતો.
અનુમાન લગાવ્યું
સંશોધકોએ 27 સારી રીતે સચવાયેલી કરોડરજ્જુનું વર્ણન કર્યું છે. કરોડરજ્જુની લંબાઈ 37.5 થી 62.7 મીમી અને પહોળાઈ 62.4 થી 111.4 મીમી સુધીની હોય છે અને શરીર નળાકાર હોય છે. IIT રૂરકીના સંશોધકોએ દાવો કર્યો છે કે હવે લુપ્ત થઈ ગયેલો આ સાપ કદાચ વિશ્વના સૌથી લાંબા સાપમાંનો એક હતો. આજના 6 મીટર (20 ફૂટ) એનાકોન્ડા અને અજગર આની સરખામણીમાં કંઈ નહોતા. સંશોધકોનો અંદાજ છે કે વાસુકી ઈન્ડીકસની લંબાઈ 10.9 થી 15.2 મીટરની વચ્ચે હોઈ શકે છે.