દેશની લાઈફલાઈન રેલવેનો મુંબઈ-ગુજરાત વચ્ચેનો રેલ વ્યવહાર છેલ્લા 24 કલાકથી ખોરવાઇ ગયો છે. પાલઘરમાં યાર્ડમાં મંગળવારે સાંજે સ્ટીલ કોઇલ્સ લઇ જતી ગુડ્ઝ ટ્રેનના ગાર્ડ સહિતના 7 વેગન પાટા પરથી ખડી પડતા સ્થિતિ સર્જાવા પામી છે. ગુડ્ઝ ટ્રેન ડીરેઇલ થતા જ રેલવે તંત્રે નંદુરબાર, ઉધના, બાંદ્રા અને વલસાડથી ટ્રેક રિસ્ટોરેશન માટે એક્સિડન્ટ રિલીફ ટ્રેનો તાબડતોબ રવાના કરી હતી.
બીજી તરફ યાત્રીઓની સુવિધા માટે સુરત, ઉધના અને વાપી સ્ટેશને હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવાયા હતા. સુરતથી મુંબઈ જતા અપલાઈનના ટ્રેક તેમજ ઓવર હેડ લાઇનને ભારે નુકસાન થતા ગુજરાતથી મુંબઈ તરફ જતો ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.મંગળવાર સાંજથી જ રેલવે તંત્ર દ્વારા સુરત-મુંબઈ સેક્શન વચ્ચે લોકલ ટ્રેન તેમજ સુરતથી મુંબઈ જતી ટ્રેનોને ડાયવર્ટ, શોર્ટ ટર્મિનેટ, રદ, આંશિક રદ અને રિશિડ્યુલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જોકે રાત પડી ગયા બાદ રિસ્ટોરેશન કામગીરીમાં મુશ્કેલીઓ સાથે મુખ્ય અપ તેમજ ડાઉન લાઇન પર ટ્રેનોને લઇ સ્થિતિ વધુ કઠિન બની હતી. આજે બુધવારે સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં પશ્ચિમ રેલવેએ 94 થી વધુ ટ્રેનો કેન્સલ, ડાયવર્ટ, શોર્ટ ટર્મિનેટ અને રિશિડ્યુલ કરતા દોઢ લાખથી વધુ મુસાફરો વેકેશન તેમજ ચાર ધામ યાત્રા વચ્ચે પ્રભાવિત થયા હતા.
અટવાઈ ગયેલા મુસાફરો માટે અંકલેશ્વર, સુરત, વાપી, વલસાડ, ઉધના સ્ટેશને પાણી, નાસ્તા અને બસની વ્યવસ્થા કરાઈ હતી. સાથે જ રિફંડ કાઉન્ટરો પણ ધમધમતા કરાયા હતા. આણંદ રેલવે સ્ટેશન પર આજે બપોરે અમદાવાદ તરફથી આવતી બિકાનેર એક્સપ્રેસ ટ્રેનને અટકાવી દઈ રેલવે તંત્ર દ્વારા ત્યાંથી મુસાફરોને ચાલુ રૂટ તથા એક્સ્ટ્રા 24 બસ દ્વારા તેમના સ્થળોએ મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા અને તેમને બસ માર્ગે જવાની ફરજ પડી હતી. તમામ મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અંકલેશ્વર સ્ટેશને બિકાનેરથી દાદર જતી ટ્રેનને ટૂંકાવી દઈ 1700 મુસાફરો માટે 10 એસ.ટી. બસની વ્યવસ્થા કરાઈ હતી. તો સુરત, વાપી, વલસાડ તરફ જતી અન્ય 7 જેટલી બસોને પણ અંકલેશ્વર સ્ટેશને લઈ જઈ ત્યાંથી મુસાફરોને બસમાં આગળ રવાના કરાયા હતા.
ગુડ્ઝ ટ્રેન ડિરેઇલમેન્ટની ઘટનાને 24 કલાક થવા આવી રહ્યા છે ત્યારે 300 સ્ટાફ, 4 JCB, 4 હેવી મશીનરી, 2 પોકલેન, 2 ક્રેનની મદદથી રેલ લાઇન અને દુરસ્ત કરવાની કામગીરી હજી પૂર્ણ થઈ શકી નથી