Loksabha Election Result 2024: નવસારી. ગુજરાતની નવસારી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ જંગી મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની પાસે લગભગ અજેય 231688 વોટની લીડ છે. અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા મહત્વની છે. જો કે આ વચ્ચે ભાજપ માટે ખુશીના સમાચાર આવી રહ્યાં છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. સુરત બાદ નવસારી લોકસભા બેઠક પણ ભાજપે પોતાના કબ્જે કરી છે.
નૈષેધ પટેલે સ્વીકારી હાર
તેવામાં સીઆર પાટીલની વધતી લીડ જોઇને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ પોતાની હાર સ્વીકારી લીધી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન નૈષેધ દેસાઇએ પોતાની હાર સ્વીકારતા કહ્યું કે, ‘પાટીલ સાહેબે 15 વર્ષમાં કોઇ વિકાસ કર્યો નથી. તે છતાં લોકોએ તેમનામાં વિશ્વાસ મુક્યો. અમારો એમની સામે સંઘર્ષ ચાલુ છે અને ચાલુ રહેશે. નવસારીમાં વિકાસ નથી છતાં પણ મતદારોએ તેમને મત આપ્યા એટલે તેમને જીત બદલ અભિનંદન.’
જણાવી દઇએ કે, આ સીટ પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થયું હતું. આ વખતે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને ચૂંટણી લડવા માટે નૈશાદ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર કુલ 59.66 ટકા મતદાન થયું હતું.
આ મતવિસ્તારમાં આદિવાસી મતદારોની સંખ્યા ઘણી વધારે
આ લોકસભા બેઠક પર મતદારોનો સૌથી મોટો વર્ગ બાહ્ય મતદારો છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રના મતદારોની સંખ્યા અંદાજે પચાસ ટકા છે. જિલ્લાની કુલ વસ્તી 31,99,734 છે. અહીં આદિવાસી મતોની સંખ્યા પણ ઘણી વધારે છે. કુલ વસ્તીના 12 ટકા અનુસૂચિત જનજાતિના છે અને બે ટકા અનુસૂચિત જાતિના છે.
નવસારી લોકસભા મતવિસ્તાર સાતમી સદીમાં નવસારિકા તરીકે જાણીતો હતો. 1 મે 1949ના રોજ આ વિસ્તાર સુરત જિલ્લાનો ભાગ હતો. 1964માં જ્યારે સુરતનું પુનઃગઠન થયું ત્યારે તેનો વલસાડમાં સમાવેશ કરવામાં આવ્યો અને 1997માં તેને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.
લોકસભા ચૂંટણી 2019 પરિણામ (Loksabha Election 2019 Results)
2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના પટેલ ધર્મેશભાઈ ભીમભાને લગભગ સાડા સાત લાખ મતોથી હરાવ્યા હતા. સી.આર.પાટીલને કુલ 9,72,739 વોટ મળ્યા જ્યારે પટેલ ધર્મેશભાઈ ભીમભાને માત્ર 2,83,071 વોટ મળ્યા હતાં.
લોકસભા ચૂંટણી 2014 પરિણામ (Loksabha Election 2014 Results)
તેવી જ રીતે 2014ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના મકસૂદ મિર્ઝાને લગભગ સાડા પાંચ લાખ મતોથી હરાવ્યા હતા. સીઆર પાટીલને કુલ 8,20,831 વોટ મળ્યા, જ્યારે મકસૂદ મિર્ઝાને માત્ર 2,62,715 વોટ મળ્યા હતાં.
લોકસભા ચૂંટણી 2009 પરિણામ (Loksabha Election 2009 Results)
2009માં આ મતવિસ્તારમાં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને લગભગ એક લાખ ત્રીસ હજાર મતોથી હરાવ્યા હતા. સીઆર પાટીલને કુલ 4,23,413 વોટ મળ્યા, જ્યારે ધનસુખ રાજપૂતને 2,90,770 વોટ મળ્યા હતાં.