Gujarat High Court : અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ખાનગી બસ કે લક્ઝરી બસને પ્રવેશ સંબંધિત અપીલને ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે. તેમજ સિંગલ જજના નિર્ણયને ખંડપીઠે બહાલી આપી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે વર્ષ 2022માં જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ખાનગી બસોને સવારેઆઠ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પરિણામે ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું
ગુજરાત હાઈકોર્ટના ચીફ ન્યાયાધીશ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ બેન્ચે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું હતું. અને ખાનગી ટ્રાવેલ્સની અરજી ફગાવી દીધી હતી. વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર ખાનગી બસ કે લકઝરી બસને 24 કલાકની મંજૂરી અપાઈ હતી. એ રૂટ પર મંજૂરી યથાવત રાખવા માટેની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે ખાનગી લક્ઝરી સંચાલકોની અપીલને હાઈકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે.