અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજ્ય સરકાર વતી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તથ્ય પટેલે ગાડીની બ્રેક નહોતી મારી તેવી રજૂઆત કરી હતી. ઉપરાંત આરોપીએ બેરહેમીથી નિર્દોષ નાગરિકોને કચડ્યા હોવાની સરકારે રજૂઆત કરી હતી હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેએ અરજી પરત ખેંચવાની મંજૂરી આપતાં તેનો નિકાલ કર્યો હતો. સાથે જ નવેસરથી ફ્રેશ અરજી કરવાની અરજદાર તથ્ય તરફથી છૂટ પણ માગવામાં આવી હતી.
વધુ સુનાવણી 5 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે આ સમગ્ર મામલે તથ્ય પટેલ તરફથી હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરીને પોતાનો બચાવ કરવામાં આવ્યો હતો. તેના તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે સમયે આ દુર્ઘટના બની ત્યારે ફ્લાયઓવર પર કોઇ પણ પ્રકારની લાઇટ્સ જ નહોતી. એટલું જ નહીં, ૨૦ જેટલી વ્યક્તિ બ્રિજની વચ્ચે ઊભા હોય તેવી અસામાન્ય પરિસ્થિતિ પણ હતી. તેથી જે દુર્ઘટના બની એ આકસ્મિક હતી અને તેણે જાણીજોઇને કોઇ પણ પ્રકારનો ગુનો આચર્યો નથી. તેથી તેને શરતોને આધિન જામીન આપવામાં આપશે એને તે બંધનકર્તા હશે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. છેલ્લા ચારેક મહિના કરતા વધુ સમયથી અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ જેલમાં જ છે. તેણે નિયમિત જામીન પર બહાર આવવા માટે તથ્ય પટેલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસની ચાર્જશીટ દાખલ થયા બાદ યોગ્ય શરતો પર જામીન આપવામાં આવે. જોકે, બીજી તરફ તથ્ય પટેલની જામીન અરજીનો વિરોધ કરવા મૃતકના પરિવારજનોએ પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. આ જ મામલે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને ગત નવેમ્બરમાં તેને હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હતા.
આ મામલે ગત શુક્રવારે હાઇકોર્ટે જામીન ફગાવી દેવાનું વલણ દાખવ્યું હતું, તેથી તથ્ય તરફથી એડવોકેટે હાલ પુરતી જામીન અરજી પરત ખેંચી લેવાની રજૂઆત બુધવારે કરતાં હાઇકોર્ટે આ કેસનો નિકાલ કર્યો છે.