અમદાવાદમાં ફરી એકવાર મોંઘી દાટ કાર દ્વારા અકસ્માત થવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં આ ઘટના બની છે. બોપલમાં મોડી રાત્રે BRTS કોરિડોરમાં અકસ્માત સર્જાયો હતો. BRTS કોરિડોરમાં પૂરઝડપે જઈ રહેલી કાર ઘૂસી ગઇ હતી. જે પછી કારચાલક મોંઘીદાટ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે બોપલ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ફરાર કાર ચાલકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે. કારના નંબર પ્લેટના આધારે તપાસ શરુ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના રેલિંગ સાથે અથડાઇને ભુક્કા બોલી ગયા છે. જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઇ છે.
આ પૂરપાટ ઝડપે દોડીને અકસ્માત સર્જનારી કારનો નંબર HR 72B 4050 છે. જેનાથી જોઇ શકાય છે કે, આ કારનું પાસિંગ અન્ય રાજ્યનું છે. આ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ત્યાં પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં આવીને આ કારને જોઇ રહ્યા હતા. આ અકસ્માત ધનતેરસની રાતે થયો છે. આ અંગે પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાની પણ મદદ લઇ શકે છે.