Lok Sabha Election Result 2024: ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાનના પરિણામ આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થવાની સંભાવના છે. ગુજરાતની ગત ચૂંટણીઓ પર નજર નાંખીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઇ શકે છે. લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા પેટાચૂંટણી પરના પરિણામો પર પણ આજે નજર રહેશે. ગુજરાતમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા વિધાનસભા પેટા ચૂંટણી યોજાઇ હતી.
ભાજપના ઉમેદવારો આગળ
શરૂઆતના વલણોમાં પાંચ વિધાનસભા પેટાચૂંટણીમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.
પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અર્જૂન મોઢવાડીયાની ઐતિહાસિક જીત થઇ છે. 1 લાખ 17 હજાર વધુ મતથી ઐતિહાસિક જીત નોંધાવી છે.
ક્યાં કોણ ઉમેદવાર?
પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી છે. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો સામે કોંગ્રેસે પોરબંદર બેઠક પર રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. વિજાપૂર બેઠક પર દિનેશ પટેલને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલ ઉમેદવાર છે. માણાવદરમાં હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.ખંભાત બેઠક પર મહેંદ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે.
પહેલા હતો કોંગ્રેસનો દબદબો
વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી 12 બેઠકો મેળવી હતી. જોકે, નરેન્દ્ર મોદીના નામ પર ચલાવાયેલા આક્રમક અભિયાનમાં 2014માં ગુજરાતમાંથી કોંગ્રેસે એકપણ બેઠક જીતી ન હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. તો એની સામે 2019ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ફટકો આપ્યો હતો. ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર આવી ગઇ હતી. ત્યારે જોવાનું એ રહ્યુ કે આ વખતે ગુજરાતની જનતાનો મૂડ શું બતાવે છે.
સુરતની બેઠક બિન હરીફ
આ વખતે તો મતદાન પહેલા જ ગુજરાતમાંથી ભાજપે સુરતની બેઠક બિનહરીફ બનીને જીતી લીધી છે. નોંધનીય છે કે, સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયુ હતુ. જે બાદ સુરત લોકસભાની બેઠકને બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. આ બેઠકના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછાં ખેંચી લીધાં છે. જેનો સીધો ફાયદો ભાજપને થયો છે.
ગુજરાતમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ભાજપ સામે લડવાના છે. આપ પાર્ટી ભાવનગર અને ભરૂચમાંથી લડશે જ્યારે અન્ય 24 બેઠકો પર કોંગ્રેસ લડશે. ગુજરાતના 266 ઉમેદવારોમાંથી 36 સામે ગુનાઓ અને 21 સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. જેમાં કોંગ્રેસમાંથી 6, ભાજપમાંથી ચાર ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અલબત્ત, છેલ્લી ચારેય લોકસભાની ચૂંટણીની સરખામણીએ ગુજરાતમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયું છે. સંપત્તિની વાત કરવામાં આવે તો 266માંથી 68 ઉમેદવારો કરોડપતિ છે. જામનગરથી ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ સૌથી વધુ રૂ. 147 કરોડની સંપત્તિ ધરાવે છે. ભરૂચમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે કુલ 13 ગુના નોંધાયેલા છે. જેમાં ધાડ, છેડતી, ઘરફોડ, ઉશ્કેરણીજનક સ્પીચ, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરવા સહિતની કલમના ગુના નોંધાયા છે. આ પૈકી 12 પ્રકારની કલમ અને 18 અન્ય પ્રકારની કલમ હેઠળ નોંધાયા છે. ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો 2014માં 66, 2019માં 68 હતા. આમ, ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયું છે