Girnar Lili Parikrama : ગિરનારની લીલી પરિક્રમા ક્યારે થશે શરૂ અને જાણો શું છે પરિક્રમાની સાથે જોડાયેલી ઐતિહાસિક ગાથા
ગુજરાત માં આવેલ આસ્થાના ધામ એવા ગિરનાર પર્વત ની લીલી પરિક્રમા ની અદભુત મહિમા છે. ગિરનાર પર્વત ની લીલી પરિક્રમા સાથે કેટલીક ઐતિહાસિક ઘટનાઓ પણ જોડાયેલી સાંભળવા મળે છે જેને લઈને ભક્તો ની આસ્થા માં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે
સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ચાલે છે. જેમાં દેશભર માંથી પધારેલા ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ તેમજ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે.
હિન્દુ ધર્મ માં અનેરું સ્થાન ધરાવતા દક્ષિણ ગુજરાત માં આવેલ જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાય છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે લોકો ના જીવન માં ઘાર્મિક મહત્વ પણ અનેરું છે.
ચાલુ વર્ષે પણ કારતક સુદ અગિયારસ થી ગિરનાર ની લીલી પરિક્રમા યોજવા જઇ રહી છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી યાત્રાળુઓ ની સંખ્યામાં વધારો થયો હોવાથી વ્યવસ્થા તંત્ર દ્વારા એક દિવસ પહેલા જ પધારેલ યાત્રાળુઓની પરિક્રમા શરૂ કરાવવામાં આવે છે.
હિન્દુ ધર્મ માં ઐતિહાસિક મહત્વ ધરાવતા દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે ગિરનાર ની લીલી પરિક્રમા
દેશભર માંથી પધારેલ ભાવિકો એકાદશીના દિવસે પ્રાચીન એવા દામોદર કુંડમાં સ્નાન કરી અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ કરે છે અને કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ગિરનાર પર્વત ની લીલી પરિક્રમા પૂર્ણ કરે છે
ગિરનારની તળેટીમાં લીલી પરિક્રમા પૂર્ણ કરવા માટે સેકડો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ સેવાકીય મંડળો દ્વારા ભોજનની અને આરામ ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.
36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડાવ 12 કિમીએ આવે છે. બીજો પડાવ આઠ કિમીએ, ત્રીજો પડાવ આઠ કિમીએ અને ચોથી પડાવ આઠ કિમીએ ભાવનાથમાં આવે છે. તેમજ પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસાથ ઉભી કરવામાં આવે છે. જેમા કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ અને ઐતિહાસિક ગાથા
કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. લીલી પરિક્રમા એ સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.
પુરાણ કથા અને ધાર્મિક માન્યતા અનુસાર બહેન સુભદ્રાજીના લગ્ન માટે ભગવાન શ્રીકૃષ્ણ અને બળદેવજીએ સૌપ્રથમ વખત ગિરનારની પરિક્રમા કરી હતી. દેવઉઠી એકાદશી થી પૂનમ સુધી ભગવાને ગિરનારના જંગલમાં વિચરણ કર્યું હતું અને રાત્રી રોકાણ પણ કર્યું હતું, એ પરંપરા આજે પણ અકબંધ રહી છે.
ગિરનારની પરિક્રમા પ્રથમ દિવસે
પ્રથમ દિવસે જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.
ગિરનારની પરિક્રમા બીજા દિવસે
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.
ગિરનારની પરિક્રમા ત્રીજા દિવસે
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.
ગિરનારની પરિક્રમા ચોથા દિવસે
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.
ગિરનારની પરિક્રમા છેલ્લા અને પાંચમા દિવસે
છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.