ભાજપ સરકારના રાજમાં આ દુઃખની અને શરમની બાબત હોવાનુ આપ નેતા કહ્યું
ઝેરી દારૂ પીને ગુજરાતમાં લોકો મૃત્યુ પામે છે : ગોપાલ ઇટાલીયા
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠા કાંડ થયો છે, અને આ વખત ગિફ્ટ સિટી વાળા ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ થયો છે. ઝેરી દારૂ અથવા કેમિકલ વાળો દારૂ અથવા પોલીસ અને ભાજપના કહેવા પ્રમાણે ઝેર વગરનો દારૂ પીવાના કારણે બે લોકોના મૃત્યુ થયા છે. ભાજપ સરકારના રાજમાં આ દુઃખની અને શરમની બાબત છે કે ઝેરી દારૂ પીને ગુજરાતમાં લાખો લોકો મૃત્યુ પામે છે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે એક તરફ ભાજપના લોકો તાયફા કરીને દારૂબંધી ઉપર ભાષણો આપતા હોય છે અને બીજી બાજુ ગિફ્ટ સિટીમાં વિદેશી મહેમાનો, ભાજપના નેતાઓ અને તેમના માનતા ઉદ્યોગપતિઓને દારૂ પીવાની છૂટ આપે છે. આ ખૂબ જ દુઃખ ભરી બાબત છે કે ગુજરાતના ગરીબો માટે ઝેરી અને કેમિકલવાળો દારૂ અવેલેબલ છે અને એ જ ગાંધીનગરમાં અમીરો માટે શાનદાર બોટલમાં અને શાનદાર હોટલમાં દારૂ પીવાની વ્યવસ્થા છે. આ ભાજપના લોકો ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માંગે છે? એક બાજુ લોકો બે મોત મરે છે અને બીજી બાજુ તાયફાઓ કરી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.