રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો છે, ત્યારે બુધવારે અમદાવાદના નારણપુરામાંથી 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સની સાથે સાથે બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત અંદાજે એક કરોડ હોવાનો અંદાજ છે.
ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચે આજે શહેરના દાણીલીમડામાંથી એક આરોપીને 1.23 કિલો એમડી ડ્રગ્સ અને બે હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ ઝડપાયેલું ડ્રગ્સની બજારની કિંમત એક કરોડથી વધારે હોવાનું માનવમાં આવી રહ્યુ છે. આરોપીનું નામ ઝિશાન દત્તા પવલે હોવાનું ખુલ્યુ છે.
2 હથિયાર, 40 જીવતા કાર્ટિજ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા
મળતા અહેવાલ પ્રમાણે ડ્રગ્સ અને ઘાતક હથિયાર સાથે ઝડપાયો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ અગાઉ લગભગ 8 ગુના દાખલ થયેલા છે.આ સાથે જ બે ગુનામાં આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે તપાસનો દૌર શરૂ કરી દીધો છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે ડ્રગ્સ કેવી રીતે શહેરમાં પહોંચ્યું, તેણે કોની પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ અને કોને આપવાનું છે તે દિશામાં તપાસ કરી રહી છે.
ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી
આ દરમિયાન સોસાયટીના રહીશ જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની અંદાજે બજાર કિંમત 25થી વધુ હોવાનું અનુમાન છે. આ ડ્રગ્સના કેસમાં 7 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેનું ‘સિલ્ક રૂટ’ બની રહ્યું છે
રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.