ખેડા જીલ્લામાં નડીયાદના બિલોદરા અને ખેડાના બગડું ગામમાં મળી કુલ 5 યુવાનોના શંકાસ્પદ મોત મામલે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ પાંચ લોકોના મોત પાછળ લઠ્ઠાકાંડ હોવાની લોકમુખે ચર્ચા થઇ રહી છે. રસ્તાની બાજુમાં શંકાસ્પદ પીણાંની બોટલો જાહેરમાં વેચાતી હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે ખાલી બોટલો અને ગ્લાસનો ઢગ જોવા મળ્યો હતો. જોકે પોલીસે પણ 3 વ્યક્તિની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એક મૃતકના પરિવારે જણાવ્યું કે તેમના સ્વજન ઘરે આવ્યાં ત્યારે માથામાં દુખાવો થયો અને પરસેવો આવી ગયો અને ત્યારબાદ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં હતા. દવાખાને લઇ જતા ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
વિગતો મુજબ 5 લોકોનાં શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. આ તરફ પરિવારજનો કથિત લઠ્ઠાકાંડની આશંકા સેવી રહ્યાં છે. જોકે પોલીસ સહિત તંત્રના હાથે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે.જેથી આ બાબત કેટલી સત્યતા છે તે તો તપાસનો વિષય છે. પાંચ લોકોના મોત બાદ હજી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે