રાજ્યભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટએટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં ચાર વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યા હતાં જેમાંથી ત્રણ લોકોના મોત થયાં છે અને એકની સારવાર ચાલુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની હરી નગર સોસાયટીમાં રહેતી 10 વર્ષીય બાળકી અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરે છે. બાળકીની ગતરોજ રાતે તબિયત લથડતા સારવાર માટે પરિવારજનો અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકીનું ગેસ્ટ્રોની અસરની સારવાર દરમિયાન 10 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજયું હોવાની આશંકા સેવાઇ રહી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.