ગાંધીનગર, ગુરુવાર:
માણસા ખાતે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ થીમ સાથેનો કિશોરીમેળો યોજાયો
ગાંધીનગરના માણસા ખાતે ધારાસભ્યશ્રી જયંતીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના તથા પૂર્ણા યોજના અંતર્ગત બ્લોક કક્ષાનો ‘સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત’ થીમ હેઠળનો કિશોરી મેળો યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રસંગોચિત સંબોધન કરતાં ધારાસભ્યશ્રી જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે સશકત અને સુપોષિત દીકરીઓ સશકત દેશનું નિર્માણ કરશે. તેમણે આ માટે દીકરીઓ અને મહિલાઓને સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ મિલેટ્સને વિશ્વ કક્ષાએ લઈ જઈને દુનિયાને મિલેટ્સના ઉપયોગ અંગે દિશા ચીંધી છે. તેમણે મહિલાઓને રોજના ખોરાકમાં મિલેટ્સનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો. ધારાસભ્યશ્રીએ કિશોરીમેળામાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને વિવિધ યોજનાઓની માહિતી લઈ સમીક્ષા પણ કરી હતી.
ગાંધીનગરના માણસા ખાતે તખતપુરા હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ સરકારના વિવિધ વિભાગોના સંયુક્ત ઉપક્રમે ‘સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત’ થીમ સાથેનો કિશોરી મેળો યોજાયો હતો. કાર્યક્રમમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓના માર્ગદર્શન અને માહિતી માટે વિવિધ વિષયો પર સત્રો યોજવામાં આવ્યા હતા. ઉપરાંત સ્ટોલ દ્વારા પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. કિશોરીઓના પોષણના મહત્વને સમજાવવા માટે પૂર્ણા યોજનાનો, એનીમિયા અને માસિક સમસ્યાઓ સહિત સ્વાસ્થ્ય માટેનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો, બેટી બચાવો બેટી પઢાઓ અને વ્હાલી દીકરી સહિતની યોજનાઓ માટેનો, કાયદાકીય જાણકારી માટે જિલ્લા કાનૂની સત્તા મંડળનો, બેન્કિંગ અને પોસ્ટલ સેવાઓના લાભની જાણકારી માટે પોસ્ટલ વિભાગનો તેમજ શિક્ષણ વિભાગનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ કિશોરીઓને યોગ્ય શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય મળે અને સમાજમાં પૂરતા હક મળે તે માટે પ્રયાસ કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫થી બેટી બચાવો બેટી પઢાવો યોજના, વર્ષ ૨૦૧૯થી વહાલી દીકરી યોજના તથા વર્ષ ૨૦૧૮થી પૂર્ણા યોજના કાર્યાન્વિત છે. આ તમામ યોજનાઓમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત ” હેઠળ સંયુક્ત ઉપક્રમે જિલ્લા તથા તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, માણસા તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પટેલ, પ્રોગ્રામ ઓફિસર પારૂલબેન નાયક, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર્સ, કિશોરીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.