જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર અને આઈ.ટી.આઈ, ડીસાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ત્રણ અગ્રણી કંપનીઓ – મિત્સુબિસી ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રા.લિ., ઉમેકો પંપ્સ એન્ડ મોટર્સ પ્રા.લિ. અને વૈષ્ણોદેવી રિફાઇલર્સ એન્ડ સોલવેન્ટ્સ પ્રા.લિ. – એ ભાગ લીધો હતો. આ કંપનીઓએ વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવી હતી.
જિલ્લાના ૭૬ રોજગાર શોધનારાઓએ આ મેળામાં ભાગ લીધો હતો. જેમાંથી ૫૫ ઉમેદવારોને ઇન્ટરવ્યુ દરમિયાન નોકરીની ઓફર મળી હતી. આ ઉપરાંત, ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે RIASEC ટેસ્ટ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી.